મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતને ‘લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી’ ગણાવતા કહ્યું છે કે, ટેક્નોલોજીનાં વિનિયોગથી વેપાર – ઉદ્યોગ બિઝનેસનાં વ્યાપ દ્વારા વિશ્વ સાથે સ્પર્ધા કરવાની ક્ષમતા ગુજરાતીઓમાં પડેલી છે. વિજયભાઈ રૂપાણી અમદાવાદમાં ત્રીજા રાજપૂત બિઝનેસ એક્સ્પો- ૨૦૧૮નો પ્રારંભ કરતાં બોલી રહ્યા હતાં. તેમણે રાજપૂત સમાજનાં સાહસ, શૌર્યની પ્રશંસા કરતાં કહ્યું કે, આ સમાજે સમયાનુંકુલ પરિવર્તન પારખીને ઉદ્યોગ સાહસિકતા અને બિઝનેસ ક્ષેત્રે જે પ્રયાણ કર્યું છે તે રાજ્યની વિકાસયાત્રાને નવું બળ અને નયા ભારતનાં નિર્માણમાં મહત્વનું બની રહેશે.
વેપાર વિશ્વસનિયતા પર થાય છે. રાજપૂત સમાજ પોતાની વિશ્વસનિયતા માટે વિશ્વભરમાં વિખ્યાત છે ત્યારે પોતાની આ વિશ્વસનિયતાનો ઉપયોગ પોતાના વેપાર-ધંધાનાં વિકાસ માટે પણ કરે તેવો અનુરોધ મુખ્યમંત્રીએ કર્યો હતો.
દેશને એક અને અખંડિત રાખવા માટે સરદાર સાહેબની એર હાકલને માન આપી પોતાના રજવાડા ક્ષણનોય વિલંબ કર્યા વગર દેશને ચરણે ધરી દીધા હતા તેવો રાજપૂત સમાજ ત્યાગ, બલિદાન અને શૌર્યની અનન્ય મૂર્તિ સમાન છે. વિજયભાઈએ જણાવ્યું કે, આવનારો સમય બિઝનેસ-ઈકોનોમીનો રહેવાનો છે. જે તે દેશનું મૂલ્ય આર્થિક વિકાસને આધારે અંકાવાનું છે ત્યારે રાજપૂત સમાજ સાથે અન્ય સમાજ પણ સમયાનુકુલ પગલા ઉઠાવી આગળ વધે તે સમયની માંગ છે.
રાજપૂત સમાજે સમયને પારખી બહેનો માટે પણ રાજપૂતાણી સ્ટોલ ઉભો કર્યો છે તેની મુખ્યમંત્રીએ સરાહના કરી જણાવ્યું હતુ કે, વાઈબ્રન્ટ ગુજરાતની શ્રૃંખલા દ્વારા ગુજરાત દેશનું ગ્રોથ એન્જીન બની રહ્યું છે. રાજપૂત સમાજની મહિલા શક્તિ પણ વેપાર- વાણિજ્ય ક્ષેત્રે આગળ વધી જોબ સીકર નહીં પણ જોબ ગીવર બને.
મુખ્ય મંત્રીશ્રીએ સાંસ્કૃતિક અને ઐતિહાસિક પેવેલીયન, ટ્રેડ અને ઈન્ડસ્ટ્રી પેવેલીયન, રાજપૂતાણી પેવેલીયન ની મુલાકાત લઈ રાજપૂત ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કર્યા હતા. બિઝનેસ એક્સ્પોની ડિરેક્ટરીનું પણ મુખ્યમંત્રીએ આ પ્રસંગે વિમોચન કર્યું હતું.
કાયદા રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ગુજરાત ઉદ્યોગ ક્ષેત્રે સમગ્ર દેશમાં અગ્રેસર છે ત્યારે અત્યારે યોજાયેલો આ એક્સ્પો સમયસરનો છે. રાજ્યમાં એક ઉદ્યોગ આવવા સાથે તેની સાથે સંકળાયેલ આનુષાંગિક ઉદ્યોગોપણ આવતા હોય છે જેથી રાજ્યમાં રોજગારીની પણ વ્યાપક તકો ઉપલબ્ધ થાય છે.
તેમણે કહ્યું કે, રાજપૂત સમાજની ગળથૂથીમાં સત્તા – વ્યવસ્થા ચલાવવાની કોઠાસૂઝ છે ત્યારે રાજપૂત સમાજ ઉદ્યોગ – ધંધા ક્ષેત્રે પણ વિકાસ કરી શકવાં સક્ષમ છે તે બાબત નિર્વિવાદ છે.
આ એક્સ્પોથી સમાજને એક પ્લેટફોર્મ મળશે તેમ જણાવી તેમણે કહ્યું કે, રાજપૂત સમાજ અન્ય સમાજને સાચવવાની પરંપરા ધરાવે છે. તેનો લાભ અન્ય સમાજને પણ મળશે.
ત્રીજા રાજપૂત બિઝનેસ એક્સપોનાં અધ્યક્ષ કિશોરસિંહ ઝાલાએ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું કે, આ એક્સપો દ્વારા એકબીજા સમાજ સાથે જોડાઈ રાજપૂત સમાજનો વિકાસ કરવો છે. સમાજનાં યુવાનોને દિશા આપવા માટે આ એક્સ્પો ઉપર્યુંક્ત બનશે જેથી જેની પાસે છે અને જેની પાસે નથી તેનું અંતર આપોઆપ ઘટી જશે.
ડૉ. જયેન્દ્રસિંહ જાડેજાએ એક્સપોના આયોજનની રૂપરેખા આપી રાજપૂત સમાજનાં સંસ્કૃતિ અને ઈતિહાસની વિસ્તૃત વિગતો આપી હતી. જી.આઈ.ડી.સી. ના ચેરમેનશ્રી બલવંતસિંહ રાજપૂત, વરિષ્ઠ આગેવાન આઈ. કે. જાડેજાએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.
આ ઉદઘાટન પ્રસંગે રાજપૂત સમાજના આંતરરાષ્ટ્રિય અધ્યક્ષ પી.ટી. જાડેજા, મુખ્ય સચિવ ડૉ. જે.એન.સિંઘ, આનંદમૂર્તિ મહારાજ, જી.ટી.પી.એલ.ના કનકસિંહ રાણા, એક્ઝિબિટર્સ, રાજપૂત સમાજના અગ્રણીઓ તથા ભાઈ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.