ફિલ્મી દુનિયા બાદ રાજનીતિમાં ઉતરવાની તૈયારી કરી ચુકેલા સુપરસ્ટાર રજનીકાંતે કહ્યું છે કે, તમિળનાડુની પ્રજા ૨૦૨૧ની વિધાનસભાની ચૂંટણીમાં કરિશ્મો કરવા જઈ રહી છે. એવી ચર્ચા છે કે, રજનીકાંત આગામી વર્ષ સુધી પોતાની પાર્ટીની જાહેરાત કરી શકે છે. બીજી બાજુ રજનીકાંતે કમલ હસનની સાથે આવવાના પણ સંકેત આપ્યા છે. રજનીકાંતના નજીકના લોકોનું કહેવું છે કે, પાર્ટીની નીતિઓ અને ઉદ્દેશ્યોને આખરીઓપ આપવા પર કામ ચાલી રહ્યું છે. પાર્ટીની શરૂઆત થયા બાદ રજનીકાંતના ફેનક્લબ રજની મક્કલ મંદરમને નવું નામ મળી શકે છે.
તેમણે કહ્યું હતું કે, ડીએમકેના નેતા એમ કરુણાનિધિ અને અન્નાદ્રમુકના મહાસચિવ જયલલિતાના આવસાન બાદ રાજ્યમાં રાજકીય શૂન્યને ભૂલવા માટે રજનીકાંત સજ્જ થઇ રહ્યા છે. તમિળ સુપરસ્ટાર થલઇવા રજનીકાંતે મક્કલ નિધિ મયૈમના વડા અને અભિનેતા કમલ હસનની સાથે ભવિષ્યમાં રાજનીતિના મેદાનમાં જવાના સંકેત આપીદીધા છે. કમલ હસને બે દિવસ પહેલા જ કહ્યું હતું કે, તેની અને રજનીકાંતની મિત્રતા ૪૪ વર્ષ જુની છે.
જો જરૂર પડશે તો તમિળનાડુના વિકાસ માટે બંને સાથે આવી શકે છે. તમિળનાડુમાં અનેક ફિલ્મસ્ટાર રાજનેતા બનીને મોટી સફળતા મેળવી ચુક્યા છે. કમલ હસનની પાર્ટી લોકસભા ચૂંટણીમાં ઉતરી ચુકી છે. જોકે તેમની પાર્ટીને કોઇ મોટી સફળતા મળી ન હતી. રજનીકાંતે સાફ શબ્દોમાં કહ્યું છે કે, તેઓ ભાજપ સાથે હાથ મિલાવનાર નથી.
તમિળનાડુમાં વિધાનસભાની ચૂંટણી ૨૦૨૧માં યોજાશે. હજુ સુધી કમલ હસનની પાર્ટીને મોટી સફળતા મળી નથી. આવી સ્થિતિ માં રજનીકાંત સાથે આવે છે તો રાજ્યમાં ત્રીજા મોરચાની રચના થઇ શકે છે અને સફળતા પણ મળી શકે છે. હાલમાં રાજકીય સમીકરણો ઉપર ચર્ચા જોવા મળી રહી છે.