તમિળનાડુની રાજનીતિમાં હમેંશા ફિલ્મી કલાકારોની પણ બોલબાલા રહી છે. ઇતિહાસ પર નજર કરવામાં આવે તો કેટલાક ફિલ્મ સ્ટાર રાજનીતિમાં સફળ સાબિત થયા છે. જયલલિતા અને કરૂણાનિધી જેવા લોકપ્રિય અને દિગ્ગજ નેતાના અવસાન બાદ ખાલી પડેલી જગ્યાને ભરવા માટે ફિલ્મી કલાકારો પણ દાવ અજમાવી રહ્યા છે. જેમાં સુપરસ્ટાર રજનિકાંત અને કમલ હાસનનો સમાવેશ થાય છે. રજનિકાંતના સમર્થક કહે છે કે આવનાર સમય રજનિકાંતનો રહેશે. તેમની લોકપ્રિયતા કન્યાકુમારીથી લઇને ચેન્નાઇ સુધી રહેલી છે. બીજી બાજુ કમલ હાસન પણ મેદાનમાં છે.
આ બંને સુપરસ્ટાર કલાકારો પ્રત્યે મતદારો કેવો પ્રતિસાદ આપે છે તે લોકસભાની ચૂંટણીથી જાણી શકાશે. જા કે એક બાબત તો નક્કી છે કે બંને કલાકારોને સારા મત મળનાર છે. કારણ કે વિતેલા વર્ષોમાં કલાકારો સફળ સાબિત થઇ ચુક્યા છે. રજનિકાંત અને કમલ હાસન ચૂંટણી રણમાં ઉતરી જવાનો નિર્ણય કરી ચુક્યા છે. રસપ્રદ રાજકીય સ્થિતી વચ્ચે તમિળનાડુમાં ભારતીય જનતા પાર્ટીનુ વલણ કેવુ રહે છે તે બાબત પર તમામની નજર કેન્દ્રિ થઇ ગઇ છે.
રજનિકાંતની લોકપ્રિયતાનો લાભ લેવાના પ્રયાસ પણ ભારતીય જનતા પાર્ટી કરી શકે છે. તેમની સાથે જાડાણ કરી શકે છે. પીએમકે અને અન્ય નાના પક્ષોની તાકાત વધારે નથી પરંતુ કોઇની સાથે મળીને આ પાર્ટીઓ તેમની નૈયાને પાર લગાવી શકે છે. છેલ્લી લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી બે સીટ જીતવામાં સફળ રહી હતી. દ્રમુકને ૨૭ ટકા મત મળ્યા હોવા છતાં ખાતુ ખોલવામાં નિષ્ફળ રહેતા ચર્ચા રહી હતી. ભારતીય જનતા પાર્ટી આ વખતે સબરીમાલા મંદિર વિવાદને લઇને હોબાળા વચ્ચે હિન્દુ મતોને પોતાની તરફેણમાં કરવાના પ્રયાસમાં છે. કાર્યકરો ભારે મહેનત પણ કરી રહ્યા છે. આ વખતે ભાજપની સ્થિતી સારી રહેશે તેમાં કોઇ બે મત નથી.