અમદાવાદ : આજરોજ કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથસિંહએ કચ્છ લોકસભાના ગાંધીધામ ખાતે જનસભાને સંબોધન કર્યુ. રાજનાથસિંહે હર્ષની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેઓ ૨૦૧૪માં પણ કચ્છ લોકસભા વિસ્તારના ભુજ ખાતે એક જનસભા માટે આવ્યા હતા અને આજે ફરી કચ્છ આવ્યા છે તેઓ આનંદ અનુભવી રહ્યા છે. કચ્છની જનતાએ તાળીઓના ગડગડાટ – ફુલહાર તેમજ ગાંધીધામની પરંપરાગત કલાકારીથી બનેલી શાલથી સ્વાગત કર્યુ હતુ.
આ પ્રસંગે રાજનાથસિહએ જણાવ્યું હતું કે, ભારતની પરંપરા છે કે સ્વાગત-અભિનંદન ફક્ત એકતરફી જ ન હોઇ શકે માટે હું શીશ ઝુકાવીને આપ સૌને પ્રણામ કરું છું. જ્યાં સુધી ગુજરાતની વાત છે તો અત્યારે માત્ર દેશની જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની નજર ગુજરાત પર છે. મહાત્મા ગાંધી હોય, સ્વામી દયાનંદ સરસ્વતી હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય કે મોરારજી દેસાઈ હોય, આપણા દેશના મોટા ભાગના મહાપુરુષોએ ગુજરાતની પવિત્ર ધરતી ઉપર જન્મ લીધો છે. ગુજરાતે પરાપૂર્વથી દેશને માર્ગદર્શન અને નેતૃત્વ પુરું પાડ્યું છે. હું જ્યારે અંતઃકરણપૂર્વક મહાપુરુષો વિશે વિચારું છું તો મને જાણવા મળે છે કે, ભારતને બનાવવામાં આ દરેકનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. આજે જ્યારે વિશ્વની સૌથી મોટી પ્રતિમા ‘‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’’ ગુજરાતમાં બની હોય અને એ પણ દેશના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની હોય ત્યારે હું કહેવા માગું છું કે, ભારતની એકતા-અખંડિતતા માટે સરદાર વલ્લભભાઈ પટેલે ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.
આજે ભારત એક છે, અખંડ છે તો તેનો શ્રેય ફક્ત અને ફક્ત સરદાર વલ્લભભાઈ પટેલને જાય છે. રાજનાથસિંહે જણાવ્યું હતું કે, જો જવાહરલાલ નહેરુએ કાશ્મીરની સમસ્યાનો ઉકેલ લાવવાનો અધિકાર સરદાર વલ્લભભાઈ પટેલને આપ્યો હોત તો તે સમયે જ કાશ્મીરના વિષયનું સમાધાન થઈ ચૂક્યું હોત. આ સમસ્યા આજે આપણી સૌની વચ્ચે આવીને ઊભી જ ન હોત. કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી કહી રહ્યા છે કે, ભારતમાં બે પ્રધાનમંત્રી હોવા જોઈએ. આઝાદી મળ્યાના આટલા વર્ષો પછી પણ આવા વિવાદીત નિવેદનો આવી રહ્યા છે, આનાથી વધારે દુર્ભાગ્યપૂર્ણ બીજુ કંઇ ન હોઇ શકે. જનસંઘના સંસ્થાપક ડા. શ્યામાપ્રસાદ મુખર્જીએ વર્ષો પહેલા એ સમયે કહ્યું હતું કે ‘‘ભારત એક હૈ, અખંડ હે. ભારત મે દો વિધાન, દો પ્રધાન, દો નિશાન નહિ ચલેંગે’’ મંત્ર સાથે તેઓ ચાલ્યા હતા અને જીવનભર સંઘર્ષ કરી બલિદાન આપ્યું હતું.
ભારતમાં બે પ્રધાનમંત્રી હોવા જોઈએ એવી વાત કરનારા નેતાઓને ચેતવણી આપતા રાજનાથસિંહે જણાવ્યું હતું કે, જો આવી જ વાત કરતા રહેશો તો કલમ ૩૭૦ અને કલમ ૩૫એ ને રદ્દ કર્યા સિવાય નરેન્દ્ર મોદીની સરકાર પાસે બીજો કોઈ વિકલ્પ બાકી નહીં રહે. રાજનાથસિંહે જણાવ્યું હતું કે, ૨૦૧૪ પહેલાં સતત ૧૦ વર્ષ સુધી કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએ સરકારમાં ફુગાવાનો દર ડબલ ડિજિટમાં રહેતો હતો. જનતા મોંઘવારીથી ત્રસ્ત હતી. દેશમાં જ્યારે જ્યારે કોંગ્રેસની સરકારો બની છે, ત્યારે ત્યારે મોંઘવારી વધી છે. પરમશ્રધ્ધેય અટલ બિહારી બાજપાઈ અને નરેન્દ્ર મોદીની સરકારોને અભિનંદન પાઠવતાં રાજનાથસિંહે જણાવ્યું હતું કે, અમારી ભાજપાની સરકારોમાં વિકાસ દર હંમેશા ઊંચો અને ફુગાવાનો દર હંમેશા નીચો રહ્યો છે.