નવીદિલ્હી : આસામના જારહાટ એરબેઝથી અરુણાચલ પ્રદેશના મેચુકા માટે ઉંડાણ ભરનાર ભારતીય વાયુસેનાનું વિમાન એએન-૩૨ લાપત્તા થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ વિમાનમાં આશરે ૧૩ લોકો હોવાની માહિતી મળી છે. આ વિમાનનો ગ્રાઉન્ડ સ્ટાફ સાથે છેલ્લે એક વાગ્યાની આસપાસ સંપર્ક થયો હતો. વિમાને જારહાટથી ૧૨.૨૫ વાગે ઉંડાણ ભરી હતી. ભારતીય વાયુસેનાએ એએન-૩૨ વિમાનની શોધખોળ માટે સુખોઇ-૩૦ લડાકૂ વિમાન અને સી-૧૩૦ સ્પેશિયલ ઓપરેશન વિમાનને મોકલી દીધા છે.
આ અંગે રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું છે કે, લાપત્તા એએન-૩૨ વિમાન અંગે ભારતીય વાયુસેનાના વાઇસ ચીફ એરમાર્શલ રાકેશ સિંહ ભદોરિયા સાથે વાતચીત કરી માહિતી મેળવી હતી. તેમણે લાપત્તા વિમાનની શોધખોળ માટે ઇન્ડિયન એરફોર્સ તરફથી ઉઠાવવામાં આવેલા પગલાઓ અંગે માહિતી આપી હતી. હું વિમાનમાં મુસાફરી કરી રહેલા તમામ યાત્રીઓ સલામત રહે તે અંગે પ્રાર્થના કરી રહ્યો છું. જુલાઈ ૨૦૧૬માં ચેન્નાઈથી પોર્ટબ્લેયર જઇ રહેલું એએન-૩૨ એરક્રાફ્ટ દુર્ઘટનાનો શિકાર બન્યું હતું.