ગુજરાત અને દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકથી યુવાન લોકોના મોત ચિંતાનો વિષય બન્યા છે. હજુ તો નવસારીમાં ૧૭ વર્ષીય વિદ્યાર્થીની અને જામનગરમાં ૨૧ વર્ષીય યુવકના હાર્ટ એટેકથી મોતની ઘટના તાજી જ છે, ત્યાં રાજકોટમાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યું છે.મૃતક કલ્પેશ પ્રજાપતિ રાજકોટની VVP એન્જિનિયરિંગ કોલેજમાં છેલ્લા વર્ષમાં આર્કિટેકનો અભ્યાસ કરતો હતો. મૂળ સુરત જિલ્લાનો યુવક ૨૦૧૭થી રાજકોટમાં રહેતો હતો અને આર્કિટેક્ચરનો અભ્યાસ ૨૦ દિવસ બાદ પૂરો જ થવાનો હતો. તેનું સપનું પૂરું જ થવાનું હતું, પરંતુ તે પહેલાં જ તેનું મૃત્યુ થઈ ગયું.ગઈકાલે સવારથી તેને એસિડિટીની સમસ્યા હતી. ત્યારબાદ તે સોડા પીને કોલેજ ગયો હતો. સાંજે કોલેજ છૂટ્યા બાદ બહાર જ તે ઢળી પડ્યો હતો અને હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.
મૃતકના પિતા સુરત જિલ્લામાં એક ગામે પ્રોવિઝન સ્ટોર ચલાવે છે. એકના એક યુવાન દીકરાનું અચાનક હાર્ટ એટેકથી મૃત્યુ નિપજતા પરિવાર ઘેરા શોકમાં ગરકાવ છે.થોડા દિવસ પહેલા કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા રાજકોટ AIIMS ની મુલાકાતે હતા, ત્યારે પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે કોરોના કાળ બાદ દેશ અને દુનિયાભરમાં હાર્ટ એટેકના બનાવો ચિંતાજનક રીતે વધ્યા છે. આ ઉપરાંત તેમણે મહત્વની વાત એ જણાવી હતી કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ આ ગંભીર મુદ્દે એક રિસર્ચ કરી રહ્યું છે. આ રિસર્ચના અંતે હાર્ટએટેકથી મોતનું સાચું કારણ સામે આવશે.