નવીદિલ્હીઃ સંસદના મોનસુન સત્ર દરમિયાન આજે અવિશ્વાસ પ્રસ્તાવ પર ઉગ્ર ચર્ચા કરવામાં આવી હતી. આ સંદર્ભમાં પ્રતિક્રિયા કોંગ્રેસના એક સાંસદ રાજીવ સાતવે પણ આપી છે.
રાજીવ સાતવે કહ્યું છે કે, રાહુલ ગાંધીએ શાનદાર ભાષણ આપ્યું છે. સમગ્ર ગૃહ હચમચી ઉઠ્યું હતું. રાહુલ ગાંધીએ જે કહ્યું હતું તે કરીને બતાવ્યું છે. આજે ગૃહમાં ખરેખર ભૂકંપની સ્થિતિ સર્જાઈ હતી. સાતવે કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ એક વખતે કહ્યું હતું કે, જ્યારે તેઓ બોલશે ત્યારે ગૃહમાં ભૂકંપ આવી જશે. આજે રાહુલ ગાંધીનો દિવસ રહ્યો હતો. ૧૮મી એપ્રિલ ૨૦૧૮ના દિવસે રાહુલ ગાંધીએ અમેઠીમાં એક રેલી દરમિયાન કહ્યું હતું કે, જો તેઓ સંસદમાં ૧૫ મિનિટ ભાષણ કરશે તો ભુકંપ આવી જશે. રાહુલ ગાંધી આજે ૩૮ મિનિટના બદલે એક કલાકથી પણ વધુ સમય સુધી બોલ્યા હતા જેમાં તેમના વ્યક્તિવત્વના અનેક રંગ જાવા મળ્યા હતા.