ગુરુગ્રામ : કોંગ્રેસના મહાસચિવ અને હાલમાં પાર્ટીમાં નવા પ્રાણ ફુંકવા માટે દિન રાત એક કરી રહેલા પ્રિયંકા વાઢેરાએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વળતા પ્રહારો કર્યા હતા. પ્રિયંકા વાઢેરાએ મોદીની તુલના દુર્યોધનની સાથે કરીને તેમની ટિકા કરી હતી. પ્રિયંકા વાઢેરાએ કહ્યુ હતુ દેશના લોકોએ અભિમાની લોકોને ક્યારેય માફ કર્યા નથી. આવુ જ અભિમાન દુર્યોધનને પણ હતુ. ભગવાન કૃષ્ણ સમજાવવા માટે ગયા ત્યારે દુર્યોધને તેમને પણ બાનમાં પકડી લેવાના પ્રયાસ કર્યા હતા. પ્રિયંકાએ રામધારી સિંહ દિનકરની કવિતા વાંચીને સંભળાવી કે, જ્યારે મનુષ્ય પર નશો છવાઈ જાય છે ત્યારે પહેલાં વિવેક મરી જાય છે.
અંબાલમાં ચૂંટણી સભા દરમિયાન તેમણે કહ્યું કે, ચૂંટણી પ્રચારમાં ભાજપના નેતા ક્યારેય નથી કહેતા કે તેમણે જે વાયદા કર્યા હતા તે તેમણે પૂરા કર્યા કે નહીં. ક્યારેક શહીદોના નામે વોટ માંગે છે તો ક્યારેક મારા પરિવારના શહીદ સભ્યોનું અપમાન કરે છે. મોદીએ ૪ એપ્રિલે ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં ચૂંટણી રેલી કરી હતી. અહીં તેમણે બોફોર્સ કૌભાંડનો ઉલ્લેખ કરીને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીનું નામ લીધા વગર તેમના વિશે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, તમારા (રાહુલ ગાંધી) પિતાજીને તમારા રાજ દરબારીઓએ બેન્ડ-બાજા સાથે મિસ્ટર ક્લિન બનાવી દીધા હતા.
જોત જોતામાં ભ્રષ્ટાચારી નંબર વન તરીકે તેમનો કાર્યકાળ પૂરો થઈ ગયો. નામદાર આ અભિમાન તમને ખઈ જશે. ૬ એપ્રિલે બંગાળના તામલુક અને ઝારખંડના ચાઈબાસામાં પણ મોદીએ પડકાર આપ્યો હતો કે કોંગ્રેસ, નામદારનો સમગ્ર પરિવાર તેમના પૂર્વ વડાપ્રધાનના મુદ્દા-સન્માન પર ચૂંટણી લડે છે જેમના પર બોફોર્સ કૌભાંડનો આરોપ છે. રાહુલે મોદીના નિવેદન પર જવાબ આપ્યો હતો કે- લડાઈ પૂરી થઈ ગઈ છે. તમારી નિયતિ તમારી રાહ જોઈ રહી છે. તમારા અંગે જે વિચાર છે, તે મારા પિતા પર થોપવાનું પણ તમે ચુક્યા નથી. પ્રિયંકા ગાંધીએ પણ મોદીના આ નિવેદન વિશે વળતો હુમલો કર્યો છે. શહીદોના નામ પર વોટ માંગીને તેમની શહીદીનું અપમાન કરનાર વડાપ્રધાને ગઈ કાલે તેમની શંકામાં સારા માણસની શહીદીનું પણ અપમાન કર્યું છે.