નવી દિલ્હી : ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મ જ્યંતિએ દેશે તેમને યાદ કર્યા હતા. રાજીવ ગાંધી ૧૯૮૪થી ૧૯૮૯ના ગાળા દરમિયાન દેશના વડાપ્રધાન તરીકે રહ્યા હતા. તેમના માતા ઇન્દિરા ગાંધીની ઘાતકી હત્યા ૧૯૮૪માં કરવામાં આવ્યા બાદ રાજીવ ગાંધી દેશના વડાપ્રધાન બન્યા હતા. આની સાથે જ તેઓ ભારતના સૌથી નાની વયના વડાપ્રધાન બની ગયા હતા. રાજકીયરીતે શક્તિશાળી નહેરુ ગાંધી પરિવારમાં ગાંધી આઈકન તરીકે ઉભરી આવ્યા હતા. તેમના બાળપણના ગાળા દરમિયાન તેમના ઉપર નાના જવાહરલાલ નહેરુ અને માતા ઇન્દિરા ગાંધીનું ખુબ પ્રભુત્વ રહ્યું હતું.
ગાંધી બ્રિટનના કોલેજમાં અભ્યાસ માટે પહોંચ્યા હતા. તેઓ ૧૯૬૬માં ભારત પરત ફર્યા હતા અને સરકારી ઇન્ડિયન એરલાઈન્સમાં પ્રોફેશનલ પાયલોટ તરીકે બની ગયા હતા. ૧૯૬૮માં રાજીવ ગાંધીએ સોનિયા ગાધી સાથે લગ્ન કર્યા હતા અને આ લોકો દિલ્હીમાં સ્થાયી થયા હતા. તેમના બે બાળકો થયા હતા જેમાં રાહુલ અને પ્રિયંકાનો સમાવેશ થાય છે. ૧૯૭૦ના ગાળામાં તેમના માતા ઇન્દિરા ગાંધી વડાપ્રધાન તરીકે હતા અને ભાઈ સંજય ગાંધી સાંસદ તરીકે હતા. આ છતાં રાજીવ ગાંધી રાજનીતિથી દૂર રહ્યા હતા. ૧૯૮૦માં વિમાન દુર્ઘટનામાં સંજય ગાંધીના મોત બાદ ઇન્દિરા ગાંધીની સૂચનાથી રાજીવ ગાંધી રાજનીતિમાં આવ્યા હતા. આગલા વર્ષે તેઓ અમેઠી બેઠક પરથી જીતી ગયા હતા અને લોકસભામાં સભ્ય બન્યા હતા.
ત્યારબાદ રાજીવ ગાંધી કોંગ્રેસ પાર્ટીના જનરલ સેક્રેટરી બન્યા હતા. ૧૯૮૨માં એશિયન ગેમ્સનું આયોજન કરવાની તેમને મોટી જવાબદાર સોંપાઈ હતી. ૩૧મી ઓક્ટોબર ૧૯૮૪ના દિવસે સવારમાં તેમની માતા ઇન્દિરા ગાંધીની તેમના જ બે બોડીગાર્ડ દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરીને હત્યા કરી દેવામાં આવી હતી. મોડેથી ગાંધી વડાપ્રધાન તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. તેમની લીડરશીપમાં આગામી થોડાક દિવસ દરમિયાન શીખ વિરોધી રમખાણનો દોર ચાલ્યો હતો. દિલ્હીમાં પણ હિંસા ભડકી ઉઠી હતી. એ વખતે ડિસેમ્બરમાં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસ તરફી સહાનુભૂતિનું મોજુ ફરી વળ્યું હતું અને લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે હજુ સુધીના ઇતિહાસની સૌથી મોટી જીત મેળવી હતી જેમાં ૫૪૨ બેઠક પૈકી ૪૧૧ બેઠક કોંગ્રેસે જીતી હતી.
રાજીવ ગાંધી સત્તામાં હતા ત્યારે ઘણા વિવાદમાં રહ્યા હતા. ભોપાલ ગેસ દુર્ઘટના અને શાહબાનોના કેસ સપાટી ઉપર આવ્યા હતા. એલટીટીઈની નારાજગી પણ રાજીવ ગાંધીને ભારે પડી હતી. ગાંધી ૧૯૯૧માં ચૂંટણી સુધી કોંગ્રેસના પ્રમુખ તરીકે રહ્યા હતા. ચૂંટણી પ્રચાર વેળા એલટીટીઈ તરફથી આત્મઘાતી બોંબર દ્વારા તેમને ટાર્ગેટ બનાવીને હુમલો કરાયો હતો જેમાં ૨૧મી મે ૧૯૯૧ના દિવસે ૪૬ વર્ષની વયે તેમનું મોત થયું હતું. ત્યારબાદ તેમના વિધવા સોનિયા ગાંધી ૧૯૯૮માં કોંગ્રેસ પ્રમુખ બન્યા હતા. ૨૦૦૪માં સોનિયા ગાંધીના નેતૃત્વમાં પાર્ટીએ જીત મેળવી હતી. ૨૦૦૯ સંસદીય ચૂંટણીમાં પણ કોંગ્રેસની સોનિયા ગાંધીના કારણે જીત થઇ હતી. તેમના પુત્ર રાહુલ સંસદના સભ્ય અને કોંગ્રેસના ઉપપ્રમુખ બન્યા છે. ૧૯૯૧માં સરકારે રાજીવ ગાંધીને મરણોપરાંત ભારત રત્નથી સન્માનિત કર્યા હતા.