રાજસમંદ: રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીને લઇ ફરી એકવાર કમળ ખિલાવવા માટે રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયાએ ૪૦ દિવસ સુધી ચાલનારી રાજસ્થાન ગૌરવ યાત્રાની શરૂઆત કરી હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજેએ રાજસમંદ જિલ્લામાં સ્થિત ચારભુજાજી મંદિરમાં પૂજા-અર્ચના કરી આ યાત્રાની શરૂઆત કરી હતી.
ભાજપનો ઉદ્દેશ્ય આશરે ૧૬૫ વિધાનસભા બેઠકોથી લઇ પસાર થનાર યાત્રા મારફતે રાજપૂત મતદારોને રિઝવવાના પ્રયાસ કરવાનો છે. રાજપુત સમાજ હાલ ભાજપથી ભારે નાખુશ દેખાઈ રહ્યો છે. રાજપુત મતદારોના ગઢ ગણાતા રાજસમંદમાં મુખ્યમંત્રી વસુંધરા રાજેએ મહારાણા પ્રતાપ, રાણા કુંભા, ભામાશાહ, પન્ના ઘાયને પ્રણામ કરી પોતાનો હેતુ સ્પષ્ટ કરી દીધો હતો.
વસુંધરા રાજેની રાજસ્થાન ગૌરવ યાત્રા આગામી ૪૦ દિવસ સુધી ૧૬૫ વિધાનસભા બેઠકોથી પસાર થશે. રાજસ્થાનમાં હાલ વિધાનસભાની કુલ ૨૦૦ બેઠકો છે. ૬૦૦૦ કિલોમીટર ચાલનારી આ યાત્રામાં વસુંધરા રાજે કુલ ૧૩૫ રેલીઓને સંબોધિત કરનાર છે. જ્યારે યાત્રાની શરૂઆત કરતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મુખ્યમંત્રી વસુંધરા રાજેની ભારે પ્રશંસા કરી હતી.
અમિત શાહે જણાવ્યું હતું કે રાજસ્થાનમાં જે પ્રકારે ભાજપની સરકાર આગળ વધી રહી છે તેનાથી મને વિશ્વાસ છે કે, રાજસ્થાનની પ્રજા ફરી એકવાર કમળનું ફુલ ખિલાવી સરકાર રચી નવો ઇતિહાસ બનાવશે. તેમણે કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. શાહે કહ્યું હતું કે, રાહુલ ગાંધી અને કોંગ્રેસ અમારી પાસે સવાલો પુછે અને ચાર વર્ષનો હિસાબ માંગે છે, પરંતુ આ દેશની જનતા તમારી પાસે પેઢીનો હિસાબ માંગે છે.
આ યાત્રાનું મહત્વ એવા વાતથી સમજી શકાય છે કે, અમિત શાહ પોતે આ રેલી શરૂઆત કરાવવા માટે રાજસમંદ પહોંચ્યા હતા. ભાજપ ૧૮૦ બેઠકો જીતી ફરી સત્તા પર આવવાના પ્રયાસમાં છે. અમિત શાહે રાજસ્થાનમાં ૧૮૦ બેઠકો જીતવાનો દાવો વ્યક્ત કર્યો હતો. રાજસ્થાનમાં ભાજપને ગત ચૂંટણીમાં ૧૬૩ બેઠકો મળી હતી.
ભાજપ રાજ્યમાં માત્ર એક જ વખત સતત સત્તામાં આવી છે. તે સમયે પૂર્વ રાષ્ટ્રપતિ અને ભાજપના દિગ્ગજ નેતા ભેરોસિંહ શેખાવતે ૧૯૯૦-૯૨ સત્તા કબજે કર્યા બાદ ૧૯૯૩માં પણ સત્તા કબજે કરી હતી. ત્યારબાદથી એક વખત ભાજપ અને બીજી વખત કોંગ્રેસ સરકાર બનાવવાનો દોર ચાલી રહ્યો છે. કોંગ્રેસમાં હાલ નેતૃત્વને લઇને ઘમાસાણની સ્થિતિ સર્જાયેલી છે. આના કારણે ભાજપને ફાયદો થવાની શક્યતા છે.
રાજપુત રાજ્યની કુલ વસ્તીના સાત ટકા જેટલી વસ્તી ધરાવે છે. હાલમાં બનેલી ઘટનાઓના કારણે રાજપુત હાલ ભાજપથી ભારે નારાજ દેખાઈ રહી છે. વસુંધરા રાજેએ અગાઉ જોધપુરથી રાજપૂત સમુદાયના પ્રભાવશાળી નેતા ગજેન્દ્રસિંહ શેખાવતને રાજસ્થાન ભાજપના અધ્યક્ષ બનાવવાથી ભારે વિરોધ થયો હતો, જેના કારણે રાજપૂતોમાં તેમની પ્રતિષ્ઠા વધુ ખરડાઈ છે. બીજી બાજુ રાજપુત સમુદાય ગેંગસ્ટર આનંદ પાલસિંહના બનાવટી એન્કાઉન્ટરથી પણ ભારે નાખુશ દેખાઈ રહી છે. પદ્માવતી ફિલ્મને લઇને પણ રાજપુત સમુદાય ભારે ખફા છે.