જયપુરઃ રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી આડે વધારે સમય રહ્યો નથી, ત્યારે સત્તારૂઢ ભાજપ અને કોંગ્રેસ દ્વારા જારદાર રીતે તૈયારી શરૂ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ રાજસ્થાનમાં શાસક પાર્ટી ભાજપ દ્વારા આશરે ૬૦ ટકા ધારાસભ્યોના પત્તા કાપવામાં આવે તેવા સંકેત દેખાઇ રહ્યા છે.
કેટલાક પ્રધાનોને પણ ટિકિટ નહીં મળે તેવી શક્યતા છે. કોને ટિકિટ આપવામાં આવે અને કોને ટિકિટ આપવામાં ન આવે તેને લઇને મુલ્યાંકન કરવા માટે પાર્ટીએ ધારાસભ્યોના પ્રદર્શનને લઇને આંતરિક સર્વેનુ કામ કરાયુ છે. ભાજપની પાસે હાલમાં રાજસ્થાન વિધાનસભાની કુલ ૨૦૦ સીટો પૈકી ૧૬૦ સીટો રહેલી છે.
રાજસ્થાનના ભાજપ પ્રભારી અવિનાશ રાય ખન્નાએ કહ્યુ છે કે પાર્ટી માત્ર જીતી શકે તેવા જ ઉમેદવારને ટિકિટ આપવા માટે કટિબદ્ધ છે. રાજ્ય પ્રભારી અવિનાશ રાય ખન્નાએ કહ્યુ છે કે ધારાસભ્યોમાં બેસી જવા માટે કોઇ ખોટી ધારણા હોવી જોઇએ નહી. જો તેમનો દેખાવ શાનદાર રહ્યો નથી તો પાર્ટી તેમને બદલી શકે છે. ટિકિટ તેમના દેખાવ અને જનતા પ્રત્યે વલણના આધાર પર નક્કી કરવામાં આવનાર છે.
પ્રદર્શન રિપોર્ટ ઉપરાંત પાર્ટી વિધાનસભા ક્ષેત્રના જાતિય સમીકરણને પણ ધ્યાનમાં લેવામાં આવનાર છે. રાજસ્થાનના મુખ્યપ્રધાન વસુન્ધરા રાજેએ કહ્યુ છે કે તમામની પ્રતિક્રિયા લેવામાં આવી રહી છે. પોતાની ગૌરવ યાત્રા દરમિયાન જમીની સ્તર પર પહેલાથી જ તમામના અભિપ્રાય લેવામાં આવી રહ્યા છે. વસુન્ધરા રાજે પોતાના અભિયાનના ભાગરૂપે ૧૫૦ વિધાનસભા ક્ષેત્રની યાત્રા કરનાર છે. ભાજપ સામે હાલમાં શાસન વિરોધી પરિબળો પણ છે. વર્ષ ૨૦૦૮માં ચૂંટણીમાં ભાજપની કોંગ્રેસની સામે હાર થઇ હતી. ભાજપ દ્વારા આક્રમક રણનિતી તૈયાર કરવામાં આવી રહી છે.