અમદાવાદ : રૂ.૭૫૦ કરોડના ખર્ચે જાન્યુઆરી ૨૦૧૯માં શરૂ થયેલી નવી વીએસ એટલે કે એસવીપી હોસ્પિટલની એકપછી એક લાલિયાવાળી અને પોલમપોલ સામે ખુલ્લી પડતી જાય છે. જેને પગલે હોસ્પિટલ સત્તાધીશો, અમ્યુકો શાસકો અને આટલા કરોડોના ખર્ચે હોસ્પિટલ તૈયાર કરનાર કોન્ટ્રાકટરોની મિલીભગતા આક્ષેપો અને ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. હવે એસવીપી હોસ્પિટલની ખૂબ જ ગંભીર કહી શકાય એવી ત્રીજી બેદરકારી સામે આવી છે. શહેરમાં પડેલા સામાન્ય વરસાદમાં પણ એસવીપીના ચાર ઓપરેશન થિયેટરમાં પાણી ટપકવા લાગતા ઘૂંટણસમા પાણી ભરાયા હતા.
જેને પગલે ઓપરેશન થિયેટર બંધ કરવાની ફરજ પડી હતી અને તેના કારણે સમગ્ર ઓપરેશનો અટવાયા હતા. જેથી દર્દીઓને બહુ મોટી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. એક તબક્કે ઓપરેશન થિયેટરમાં રિપેરિંગ કામ કરવા માટે દિવાલ તોડવાની ફરજ પડી હતી. એસવીપી હોસ્પિટલમાં કુલ ૩૨ ઓપરેશન થિયેટરમાંથી ૧૬ જ ઓપરેશન થિયેટર ચાલુ કરવામાં આવ્યા હતા. તેમાં પણ ૧૬માંથી ૪ ઓપરેશન થિયેટરમાં પાણી પડવા લાગતા હાલ ૧૨ જ ઓપરેશન થિયેટર ચાલુ રાખવામાં આવ્યા હતા. હજુ થોડા દિવસ પહેલાં જ હોસ્પિટલના ૧૫માં માળે ફ્લોર પર પાણી ભરતાં દર્દીઓમાં દોડધામ મચી ગઈ હતી. તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરનો લૂલો બચાવ કરતા જણાવાયું હતું કે, માત્ર બારીઓમાંથી પાણી આવ્યું હતું.
બીજી તરફ ધાબામાંથી કન્સ્ટ્રક્શન કામની ખામીને કારણે વરસાદી પાણી ૧૫માં માળે ફરી વળતા વહેતા થયેલા વીડિયો બાદ તંત્રએ તબીબોને પણ ધમકાવ્યા હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યુ હતુ. તા.૨ ઓગસ્ટના રોજ એસવીપી હોસ્પિટલની બીજા માળે પીઓપીની છત નીચે પડવાની ઘટના બની હતી. તે સમયે પણ કન્સ્ટ્રક્શનમાં રહેલી ક્ષતિઓ બહાર આવી હતી. આ અંગે એસવીપી હોસ્પિટલના સીઈઓ રમ્યકુમાર ભટ્ટે જણાવ્યું હતું કે, ભારે વરસાદને કારણે પવન હોવાથી બારીઓ ખુલ્લી રહેતા વરસાદી પાણી અંદર આવ્યું હતું. જો કે, હવે આવી ઘટના ન બને તે માટે અમે તકેદારી રાખીશું.
તંત્ર ભલે ગમે તેવો બચાવ કરે પરંતુ જે હોસ્પિટલનું ખુદ વડાપ્રધાન મોદીએ કર્યું હોય, કરોડોના ખર્ચે આટલી હાઇટેક હોસ્પિટલ બની હોય અને જે હોસ્પિટલમાં વૈશ્વિક કક્ષાની સારવારના મોટા મોટા દાવા કરવામાં આવ્યા હોય તેમાં છાશવારે આટલી ગંભીર અને મોટી ક્ષતિઓ અને પોલમપોલ બહાર આવે તો સ્વાભાવિક છે કે, તંત્ર, શાસકો અને કોન્ટ્રાકરની મિલીભગતના આરોપ પણ લાગે અને ગંભીર સવાલો પણ ઉઠે. હવે અમ્યુકો સત્તાધીશોએ આ સમગ્ર પ્રકરણમાં નૈતિકતાના ધોરણે બહુ તટસ્થતાથી તપાસ કરી યોગ્ય પગલાં લેવા જોઇએ તેવી પણ માંગણી ઉઠવા પામી છે.