અમદાવાદઃ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે ત્યારે હવે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે. મધ્ય ગુજરાતમાં કલાકોના ગાળામાં પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો હતો.
દક્ષિણ ગુજરાતના વઘઈમાં પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ડાંગમાં ચાર અને મધ્ય ગુજરાતમાં વડોદરામાં પણ ચાર-ચાર ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો છે. આવી જ રીતે ડાંગ, આહવા, વઘઈમાં પણ ભારે વરસાદ થયો છે. આણંદ, બોરસદ, મહીસાગર, અન્ય તમામ વિસ્તારોમાં પણ ઉલ્લેખનીય વરસાદ થયો છે. મેઘરાજાએ આજે પોતાનો રૂટ જાણે બદલ્યો હોય એમ મધ્ય ગુજરાતમાં વડોદરા, પાદરા, પંચમહાલ, દાહોદ સહિતના પંથકોમાં આજે ભારે વરસાદ નોંધાયો હતો, જેમાં વડોદરામાં ગણતરીના કલાકોમાં ચાર ઇંચથી વધુ વરસાદ નોંધાતા શહેર આખું જાણે પાણી-પાણી થઇ ગયું હતું. તો, ઉત્તર ગુજરાતમાં અંબાજી, અરવલ્લીના બાયડ, શામળાજી, પાલનપુર સહિતના પંથકોમાં મેઘરાજાએ જારદાર પધરામણી કરી હતી.
આજે ઘણા લાંબા સમયની રાહ જાવડાવ્યા બાદ આજે મેઘરાજાએ ઉત્તર ગુજરાતના અરવલ્લી, બાયડ, શામળાજી, પાલનપુર સહિતના પંથકોમાં જોરદાર પધરામણી કરી હતી. વરસાદી માહોલને લઇ સ્થાનિક લોકો ખુશખુશાલ બન્યા હતા. તો, મધ્ય ગુજરાતમાં વડોદરા, પાદરા, વાઘોડિયા, ડભોઇ સહિતના પંથકોમાં પણ ધોધમાર વરસાદ પડયો હતો, જેના કારણે વડોદરા અને તેની આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. વડોદરામાં ચાર ઇઁચથી વધુ વરસાદ નોંધાતા મોટાભાગના વિસ્તારોમાં થોડા કલાકો માટે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ ગઇ હતી. સ્થાનિક નાગરિકો ખાસ કરીને વાહનચાલકો, નાગરિકો ભારે હાલાકીનો ભોગ બન્યા હતા.
રાજયમાં હજુ પણ એક નેશનલ હાઇવે અને સાત સ્ટેટ હાઇવે સહિત ૧૧૫થી વધુ રસ્તાઓ બંધ છે, જેને લઇ લોકો ભયંકર હાલાકીનો સામનો કરી રહ્યા છે. તો, રાજયમાં ચોમાસાની સીઝનનો કુલ વરસાદ ૬૧.૧૨ ટકા નોંધાયો છે. સીઝનના વરસાદને લઇ અત્યાર સુધીમાં ૩૩થી વધુ લોકોના મોત નોંધાયા છે, જયારે ૧૭૫થી વધુ પશુધનના મૃત્યુ નીપજયા છે. ભારેથી અતિ ભારે વરસાદને લઇ રાજયના ૧૩૧થી વધુ ડેમોમાં પાણીની નોંધપાત્ર આવક થઇ છે. ખાસ કરીને નર્મદા ડેમની જળસપાટી ૧૧૧.૨૩ મીટરે પહોંચી ગઇ છે. વડોદરાથી પ્રાપ્ત અહેવાલ મુજબ મોડી રાત્રે ભારે વરસાદની શરૂઆત થયા બાદ આજે વરસાદ જારી રહ્યો છે. જેના કારણે તમામ વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. વડોદરામાં ટુંકા ગાળામાં જ ચાર ઇંચથી વધારે વરસાદ થઇ ગયો છે. ભારે વરસાદના કારણે સિટી બસ સેવાને બંધ રાખવાની ફરજ પડી રહી છે. સવારમાં ભારે વરસાદના કારણે સ્કુલ જતા બાળકો અને ઓફિસ જતા લોકો અટવાઇ પડયા હતા. વરસાદ સંબંધિત બનાવમાં વધુ એકનું મોત અરવલ્લીમાં આજે થયું હતું. આની સાથે જ મોતનો આંકડો વરસાદ સંબંધિત બનાવોમાં વધીને ૩૩ ઉપર પહોંચ્યો છે. બીજી બાજુ ભારે વરસાદગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે.