ગુજરાત ઉપરથી હજુ ઘાટ ટળી નથી, હવામાન વિભાગની ચેતવણી, ૪ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

Rudra
By Rudra 3 Min Read

ગાંધીનગર : રાજ્યમાં આજે પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યનાં ૪ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ૫ દિવસ ગાજવીજ સાથે ૩૦ થી ૪૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે તોફાની મોજા ઉછળી શકે છે. આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સુચના આપવામાં આવી છે. રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદથી નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે.

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ગાંધીનગર, ભરૂચ, છોટા ઉદેપુર, સુરત, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી,સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવમાં ભારે વરસાદનું યેલો અલર્ટ આપવામાં આવ્યું છે. મોન્સૂન ટ્રફ સાથે ૨ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે.

છેલ્લા ગુજરાત રાજ્યના ૧૧૬ તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. મેઘરાજાએ દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મહેર વરસાવી છે. રાજ્યમાં સૌથી વધુ પંચમહાલના હાલોલમાં પોણા ૧૦ ઇંચ વરસાદ ખાબક્યો છે, જેને લઇને હાલોલના હાલ બેહાલ થયા છે.
બીજીબાજુ આણંદના ઉમરેઠમાં પોણા ૫ ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે મહિસાગરના કડાણા અને સંતરામપુરમાં ૪-૪ ઇંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય રાજ્યના ૩૬ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.

જણાવી દઈએ કે, હાલોલ (પંચમહાલ)માં સૌથી વધુ ૯.૮૪ ઇંચ વરસાદ નોંધાયો છે. ઉમરેઠ (આણંદ)માં ૪.૭૨ ઇંચ, કડાણા (મહિસાગર)માં ૪.૦૯ ઇંચ, સંતરામપુર (મહિસાગર)માં ૩.૯૮ ઇંચ, બોરસદ (આણંદ)માં ૩.૦૭ ઇંચ, ઘોઘંબા (પંચમહાલ)માં ૨.૪ ઇંચ અને જાંબુઘોડા (પંચમહાલ)માં ૨.૦૧ ઇંચ વરસાદ પડ્યો છે.

સાવરકુંડલાના ગાધકડા ગામે ધોધમાર વરસાદ વરસતા નદી-નાળા છલકાઈ ગયા છે. ખાસ કરીને, ગાધકડાની નદી ફુલઝરમાં તો પૂર આવ્યું છે. નદી ઉપર આવેલો ફુલજર ડેમ પણ ઓવરફ્લો થવા પહોંચ્યો છે. જાે કે, લાંબા વિરામ બાદ આ પંથકમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જાેવા મળી રહ્યો છે.

હાલોલ નગરનું મુખ્ય તળાવ ઓવરફ્લો થયુ છે. તળાવના પાણી અરાદ રોડ વિસ્તારમાં ફરી વળતા આસપાસની સોસાયટી જળમગ્ન બની છે. પુષ્કળ પ્રમાણમાં પાણી ભરાઈ જવાને કારમે વાહનવ્યવહાર બંધ કરવો પડ્યો છે. વરસાદી પાણીના નિકાલ માટેનો રસ્તો બંધ કરી દેતા સમસ્યા હોવાનો દાવો કરાયો છે.

ઉકાઈ ડેમ ૮૦ ટકા ભરાયો છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં પાણીની આવક યથાવત્ છે. ઉકાઈ ડેમમાં હાલ ડેમમાં ૯ લાખ ૫ હજાર ૭૫૦ ક્યુસેક પાણીની આવક છે. ડેમમાંથી ૯ લાખ ૫ હજાર ૭૫૦ ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. ડેમના ૮ ગેટ ૬ ફૂટ ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. હાલ ઉકાઈ ડેમની સપાટી ૩૩૫.૯૩ ફૂટ પર છે.

ભારે વરસાદના કારણે કીમ નદી પરનું ડાયવર્ઝન ધોવાયું છે. વાલિયાથી વાડીને જાેડતો સ્ટેટ હાઈવે પર સમારકામ સમયે પોક્લેન મશીન નદીમાં ખાબક્તા દોડધામ મચી ગઈ હતી. જાે કે પોક્લેન ચાલકનો આબાદ બચાવ થયો છે. હાલ મશીનને નદીમાંથી બહાર કાઢવાની કવાયત હાથ ધરાઈ છે.

Share This Article