અમદાવાદ : સૌરાષ્ટ્ર અને કચ્છના જુદા જુદા ભાગોમાં આજે તોફાની પવન સાથે કમોસમી વરસાદના લીધે ખેડૂત સમુદાયમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું. અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા હતા. નિચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા હતા. સૌથી વધારે ખેડૂત સમુદાયમાં જાવા મળી હતી. કારણ કે, મગફળીના તૈયાર થયેલા પાકને નુકસાન થવાનો ખતરો રહેલો છે. કપાસનો પાક પણ હાલ લેવાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં કમોસમી વરસાદથી પાકને નુકસાન થવાના ખતરાથી ખેડૂત સમુદાયમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. આજે બપોરબાદ અમરેલી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદની શરૂઆત થઇ હતી.
ગીર સોમનાથના વિસ્તારમાં પણ વરસાદ થયો છે. વૃક્ષો ધરાશાયી થવાના શ્રેણીબદ્ધ બનાવો બન્યા છે. તળાળામાં કરા પડતા ભારે ઉત્તેજના પણ ફેલાઈ ગઈ હતી. અમરેલીથી પ્રાપ્ત અહેવાલ મુજબ શહેર અને ગ્રામ્ય પંથકમાં આજે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું અને જોરદાર પવન સાથે વરસાદ વરસવા લાગ્યો હતો. એક તરફ અસહ્ય ગરમીમાં લોકો અકળાઇ રહ્યા છે. ત્યારે વરસાદી ઝાપટાથી ઠંડક પ્રસરી હતી. બીજી તરફ ખેડૂતોએ લીધેલા મગફળીના પાક પર પાણી ફરી વળતા ખેડૂતો મુંઝવણમાં મુકાયા છે. તેમજ તાલાલા સહિત ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં તોફાની પવન સાથે વરસાદ પડતા રસ્તાઓ પર વૃક્ષો ધરાશાયી થયા છે.
આ સિવાય તાલાલામાં કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. તેમજ અનેક જગ્યાએ ભારે વરસાદથી વૃક્ષો ધરાશાયી થયા હતા. અમરેલીના ઇશ્વરિયા ગામે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. અમરેલી શહેરમાં પણ પવન સાથે વરસાદી છાંટા પડ્યા હતા. તેમજ ધારી ગીરના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડ્યો હતો. મોટા લીલીયાના એકલેરા ગામે તેમજ આસપાસ ગ્રામ્યવિસ્તારમા પણ વરસાદી ઝાપટા વરસ્યા હતા. માવઠાથી જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે. હાલ મગફળીનો પાક પાકીને તૈયાર થઇ ગયો છે તેમજ કપાસનો પાક પણ હાલ લેવાઇ રહ્યો છે. ત્યારે વરસાદથી ખેડૂતોને મોટુ નુકસાન થાય તેવી શક્યતાઓ છે. હવામાન વિભાગના કહેવા મુજબ રાજ્યના જુદા જુદા વિસ્તારમાં હવે ધીમીગતિએ ઠંડીની શરૂઆત થઇ રહી છે. આજે અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાન ૨૦.૭ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૩૬.૯ ડિગ્રી નોંધાયું હતું. શહેરમાં વહેલી સવારે અને મોડી રાત્રે હવે લોકોને ફુલગુલાબી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. આગામી દિવસોમાં લોકો ગરમ વસ્ત્રોમાં જોવા મળશે.