અમદાવાદ : અમદાવાદ શહેરના તમામ વિસ્તારોમાં આજે વહેલી પરોઢે વાવાઝોડા અને વીજળીના કડાકા સાથે જોરદાર વરસાદ થયો હતો. ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં વીજળી ડુલ થઇ ગઇ હતી. ભારે પવનના કારણે સવારમાં બોપલ, ઘુમા અને ચાંદખેડા વિસ્તારમાં વીજળી ડુલ થઇ ગઇ હતી. શહેરના કેટલાક વિસ્તારમાં તો પાણી ભરાઇ ગયા હતા. બીજી બાજુ હવામાન વિભાગે આગાહી કરી છે કે અમદાવાદમાં પણ વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. જેથી અમદાવાદમાં આવતીકાલથી લઇને ૨૮ જુન સુધી જોરદાર વરસાદી માહોલ રહી શકે છે.
વહેલી પરોઢે વરસાદના કારણે શહેરના મોટેરા, ગોતા, રાણીપ, સેટેલાઇટ, શાહપુર, નારણપુરા, સરખેજ અને એસજી હાઇવે સહિતના વિસ્તારમાં ભારે વરસાદ થયો હતો. અમદાવાદની વાત કરવામાં આવે તો સામાન્ય રીતે મોનસુનની સિઝનમાં ૭૫૦ મીમી વરસાદ પડે છે. ૧૮ વર્ષમાં ૨૦૧૭માં સૌથી વધારે ૧૧૬૩ મીમી જેટલો વરસાદ થયો હતો.અમદાવાદમાં આજે સવારમાં પણ વાદળ છવાયેલા રહ્યા હતા. વરસાદી માહોલ રહેતા વાતાવરણમાં ઠંડક રહી હતી. હવામાન વિભાગના કહેવા મુજબ આજે ચોમાસુ બેસી જાય તેવી શક્યતા દેખાઇ રહી છે.
અમદાવાદ શહેરમાં વરસાદના કારણે કેટલાક વિસ્તારમાં ગંદકીના ખડકલા જોવા મળ્યા હતા. હવે વરસાદી માહોલમાં સાફ સફાઇ પર તંત્રને વધારે ધ્યાન રાખવાની જરૂર રહેશે. કારણ કે ભારે વરસાદના કારણે પાણી ભરાઇ જવાની સમસ્યા સર્જાશે જેથી રોગચાળો ફેલાઇ શકે છે.