દિલ્હી-એનસીઆરમાં સતત વરસાદ : લોકો ભારે પરેશાન

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવીદિલ્હી: દિલ્હી, એનસીઆર અને ઉત્તરાખંડના જુદા જુદા ભાગોમાં આજે પણ ભારે વરસાદ જારી રહ્યો હતો. ઉત્તરાખંડમાં ઘણી જગ્યાએ ભેખડો ધસી પડવાના બનાવો પણ બન્યા છે. ઉત્તરાખંડમાં હજુ પણ ભારે વરસાદની ચેતવણી આગામી પાંચ દિવસ માટે જારી કરવામાં આવી છે. બુધવારના દિવસે ત્રણ લોકોના મોત પણ થઇ ગયા હતા. હિમાચલના ઘણા ભાગોમાં નિચાણવાળા વિસ્તારોમાંથી લોકોને ખસેડવામાં આવ્યા છે. તહેરી-ગઢવાલ-દહેરાદૂન સરહદ નજીક હાલત કફોડી બનેલી છે. બીજી બાજુ દિલ્હી અને એનસીઆરમાં આજે સતત બીજા દિવસે પણ વરસાદ જારી રહ્યો હતો. અનેક નિચાણવાળા વિસ્તારોમાં આજે પાણી ભરાઈ ગયા હતા. અલબત્ત લોકોને રાહત મળી હતી પરંતુ જળબંબાકારની સ્થિતિથી પરેશાની પણ થઇ હતી.

આજે સવારે વરસાદના લીધે જનજીવન ઉપર પણ અસર થઇ હતી. અલબત્ત આજે રજા હોવાથી વધારે તકલીફ પડી ન હતી. કારણ કે લોકો ઘરમાંથી બહાર નિકળ્યા ન હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇકાલે શનિવારના દિવસે દિલ્હી અને એનસીઆરમાં ભારે વરસાદ થયો હતો જેથી લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. દિલ્હીના ઉત્તમનગર, ધોળાકુવા અને આરકેપુરમમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. ગુડગાંવના અનેક વિસ્તારોમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. પૂર્વીય અને મધ્ય દિલ્હી સહીત અનેક ભાગોમાં ભારે વરસાદ થયો હતો. પાલન વેદશાળામાં ચાર ઇંચ સુધી વરસાદ થયો હતો. લોધીરોડ, સફદરજંગમાં પણ ભારે વરસાદ થયો હતો. વરસાદના કારણે મોટી સંખ્યામાં વાહનો ફસાઈ ગયા હતા.

બીજી બાજુ દિલ્હીમાં ભારે વરસાદ હજુ જારી રહેવાની શક્યતા છે. એનસીઆરના અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ થઇ રહ્યો છે અને આ વરસાદી માહોલ હાલ અકબંધ રહે તેવી શક્યતા દેખાઈ રહી છે. દક્ષિણ દિલ્હીમાં સૌથી વધારે તકલીફ પડી હતી. કારણ કે, અહીં લોકો અટવાઈ પડ્યા હતા. સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં ઉત્તરાખંડ, રાજસ્થાન, બિહાર, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તરના રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

મૌસમ વિભાગનું કહેવું છે કે પ્રથમ સપ્તાહમાં પૂર્વીય અને મધ્ય ભારતની સાથે સાથે પૂર્વોત્તરના રાજ્યો ઉત્તરપ્રદેશ અને દક્ષિણ તમિલનાડુમાં સામાન્યથી વધુ વરસાદ પડશે.

Share This Article