અમદાવાદ: અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ રહ્યો હતો. સવારથી જ છુટાછવાયો હળવો વરસાદ જારી રહ્યો હતો. દિવસ દરમિયાન વરસાદી માહોલ અને વરસાદી વાદળા અકબંધ રહ્યા હતા. વાતાવરણમાં પણ ઠંડક રહી હતી. અમદાવાદ શહેરમાં ગાજવીજ સાથે વરસાદ જારી રહે તેવી શક્યતા દેખાઈ રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે ગઈકાલે શનિવારના દિવસે સાંજે અમદાવાદ શહેરમાં લાંબા વિરામ બાદ જારદાર તોફાની વરસાદ તુટી પડતાં ઘણી જગ્યાએ લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા જ્યારે મોડી સાંજે શહેરના જુદા જુદા વિસ્તારમાં ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.
બીજી બાજુ ભારે વરસાદ દરમિયાન તોફાની પવન ફુંકાતા અનેક વધુ વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. નીચાણવાળા વિસ્તારો તો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. પૂર્વના વિસ્તારમાં ફરી એકવાર સોસાયટીઓ-દુકાનોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ હતી. તો, શહેરના માર્ગો પર ભારે વરસાદ અને પાણી ભરાવાના કારણે ઠેર-ઠેર ટ્રાફિક ચક્કાજામના દ્રશ્યો જાવા મળ્યા હતા. અમદાવાદમાં આજના ધોધમાર વરસાદે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઇ જતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓના પ્રિ-મોન્સુન એકશન પ્લાનની પોલ ફરી એકવાર જાણે ખુલ્લી પડી ગઇ હતી.
અમદાવાદ શહેરમાં આજે મહત્તમ તાપમાન ૩૧.૧ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૩.૩ ડિગ્રી નોંધાયું હતું. ગુજરાત પ્રદેશ ઉપર ફરી એકવાર જારદાર રીતે મોનસૂન સક્રિય થયું છે. અમદાવાદ ઉપરાંત પાટનગર ગાંધીનગરમાં મહત્તમ તાપમાન ૩૨ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન પાટનગર ગાંધીનગરમાં ૨૪.૫ ડિગ્રી નોંધાઈ ગયું હતું. વરસાદી માહોલના લીધે લોકોને ગરમીથી રાહત મળી હતી.