અમદાવાદ : અમદાવાદ શહેરમાં આજે સવારથી ભારે વરસાદ શરૂ થયો હતો. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. જનજીવન પર પ્રતિકુળ અસર થઇ હતી. વીજળીના ભારે કડાકા અને ભડાકા સાથે વરસાદ સવારમાં જારી રહ્યો હતો. જેના કારણે લોકોને સવારમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
નીચાણવાળા વિસ્તારો તો જળબંબાકાર બની ગયા હતા. અમદાવાદ શહેરમાં મોડી રાત્રે વરસાદની શરૂઆત થયા બાદ આજે સવારે ધોધમાર વરસાદ જારી રહ્યો હતો. સવારમાં ઓફિસ જતા લોકો જુદી જુદી જગ્યાએ અટવાઇ ગયા હતા. અમદાવાદ માટે પણ ભારે વરસાદની ચેતવણી અકબંધ રાખવામાં આવી છે. શહેરમાં વરસાદી માહોલના કારણે કોર્પોરેશનના અધિકારીઓ પણ સક્રિય રહ્યા હતા. લોકોને કોઇ પરેશાની ન થાય તે માટે તમામ પ્રયાસો જારી રાખવામાં આવ્યા હતા. હાલમાં અમદાવાદમાં જુદા જુદા વિસ્તારમાં મેટ્રો ટ્રેનનુ કામ ચાલી રહ્યુ છે જેના કારણે સામાન્ય લોકોને વધારે તકલીફ થઇ હતી. વિવિધ વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતી સર્જાઇ હતી. અમદાવાદ સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ હાલમાં પડી રહ્યો છે.
બોપલ, એસજી હાઇવે, બોડકદેવ, થલતેજ, ચાંદખેડા, મોટેરા, ગોતા રાણીપ, ચાંદલોડિયા, મમિનગર, વટવા, રામોલ, ચેનપુર સહિતના તમામ વિસ્તારોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. જેના કારણે વાહન ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આ તમામ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઇ ગઇ હતી. બીજી બાજુ બનાસકાઠા, સાબરકાઠા, પાટણ,મહેસાણા, ગાંધીનગર અને અરવલ્લીમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. રાજ્યમાં વરસાદની ટકાવારીની વાત કરવામાં આવે તા દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ થયો છે. રાજ્યમાં સિઝનના વરસાદની વાત કરવામાં આવે તો પણ ઉલ્લેખનીય વરસાદ થઇ રહ્યો છે. અમદાવાદમાં હાલમાં પડેલા વરસાદના કારણે એકબાજુ ભુવા પડવાના બનાવો બન્યા છે જેથી અકસ્માત થવાનો ખતરો વધી ગયો છે. બીજી બાજુ રોડ રસ્તાઓની ખરાબ હાલતના કારણે પણ શહેરીજનો વ્યાપક ફરિયાદો કરી રહ્યા છે.
જા કે તંત્ર દ્વારા પહેલાથી જ કહેવામાં આવ્યું છે કે, વરસાદની સિઝનની પૂર્ણાહૂતિ બાદ રોડ રસ્તાઓને વ્યવસ્થિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. પ્રાથમિકતાના આધારે આ કામગીરી હાથ ધરવામાં આવનાર છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે, જે વિસ્તારોમાં ભુવા પડ્યા છે તે વિસ્તારમાં પણ કોર્પોરેશન દ્વારા ઝડપથી કામગીરી હાથ ધરીને કાર્યવાહી કરવામાં આવનાર છે. મોનસુન દરમિયાન માર્ગો ધોવાઈ ગયા પછી તેમના સમારકામ માટે ગુજરાત સરકાર દ્વારા કુલ ૨૧૬ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. મુખ્યમંત્રી માર્ગ યોજના હેઠળ આ રકમની ફાળવણી ખરાબ થયેલા રસ્તાઓના સમારકામ માટે આપવામાં આવ્યા છે. અમદાવાદમાં ખરાબ થયેલા રસ્તાઓને નવરાત્રિના ગાળા પહેલા વ્યવસ્થિત કરવાની યોજના છે.અમદાવાદ શહેરમાં હજુ સુધી સિઝનમાં ૭૮ ટકાથી પણ વધુ વરસાદ એટલે કે ૬૪૧.૪ મીમી સુધીનો વરસાદ થઇ ચુક્યો છે. હજુ સુધીના આંકડા દર્શાવે છે કે, અમદાવાદ શહેરમાં ૭૮.૭ ટકા અમદાવાદ અને જિલ્લામાં સિઝનમાં ૮૪.૭ ટકા સુધીનો વરસાદ થઇ ચુક્યો છે. ગુજરાતમાં આ વખતે કેટલાક વિસ્તારોમાં ૧૦૦ ટકા કરતા વધારે વરસાદ થઇ ચુક્યો છે. સાથે સાથે હજુ વરસાદ જારી છે. કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિ જેવી સ્થિતી સર્જાઇ રહી છે. ચાલુ સિઝનમાં પડેલા વરસાદની વાત કરવામાં આવે તો કચ્છમાં ચાલુ સિઝનમા ૫૭૦ મીમી વરસાદ થયો છે. જ્યારે વરસાદની ટકાવારી ૧૪૨.૧૮ની આસપાસની રહી છે.