અમદાવાદ : અમદાવાદ શહેરમાં ઝરમરથી મધ્યમ વરસાદ યથાવત રીતે જારી રહ્યો છે. આજે મંગળવારના દિવસે સવારે વરસાદ જારી રહ્યો છે. રાત્રી ગાળા દરમિયાન પણ વરસાદ જારી રહ્યો હતો.અમદાવાદમાં સિઝનમાં હજુ સુધી માત્ર ૧૬૫.૪ મીમી એટલે કે સવા છ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં સિઝનમાં કુલ ૩૨ ઇંચની આસપાસ વરસાદ થાય છે જેની સામે વર્તમાન સિઝનમાં વરસાદનો આંકડો નહીવત સમાન રહ્યો છે. અમદાવાદ શહેરમાં ઘણા લાંબા સમય બાદ ફરી એકવાર આજે વહેલી સવારથી જ જોરદાર ધોધમાર વરસાદ ત્રાટકયો હતો. શહેરમાં આજે ભારેથી અતિ ભારે વરસાદના ઝાપટા દિવસ દરમ્યાન ચાલુ રહ્યા છે. ખાસ કરીને પૂર્વના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાની સૌથી વધુ ફરિયાદો જોવા મળી હતી.
જયારે પશ્ચિમ વિસ્તારમાં કેટલાક માર્ગો અને વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભારે વરસાદની સાથે જ શહેરના કેટલાક વિસ્તારોમાં ભુવા અને ખાડા પડવાના બનાવો પણ ચાલુ રહ્યા હતા. સમગ્ર દિવસ દરમ્યાન વરસાદ ચાલુ રહેતાં શહેરીજનો ખાસ કરીને વાહનચાલકો માર્ગોમાં કયાંક અટવાયા હતા. તો, ઘણા લાંબા સમય બાદ મેઘરાજાએ સારી મહેર વરસાવતાં શહેરીજનો માર્ગો પર વરસાદી માહોલની મોજ માણવા લટાર મારવા નીકળ્યા હતા. શહેરમાં ધોધમાર વરસાદના કારણે નગરજનોમાં એકંદરે ખુશીની લાગણી પ્રસરી હતી. હવામાન વિભાગની આગાહીના મુજબ, રાજયના અન્ય વિસ્તારોની સાથે સાથે અમદાવાદ શહેરમાં પણ આજે ભારે પવન સાથે ધોધમાર વરસાદ નોંધાયો હતો.
શહેરના બોપલ, એસજી હાઈવે, સરખેજ, જીવરાજપાર્ક, પ્રહલાદનગર, ગુરૂકુળ, મેમનગર, નારણપુરા, આશ્રમરોડ, રિવરફ્રન્ટ, મણિનગર, વટવા, ઓઢવ, બાપુનગર, અમરાઇવાડી, રામોલ, વ†ાલ, નિકોલ, નરોડા, નિકોલ સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે વરસાદી માહોલ જામ્યો હતો. ભારે અને ધોધમાર વરસાદી ઝાપટાઓના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. ખાસ કરીને પૂર્વના વિસ્તારોમાં તેની સૌથી વધુ અસર નોંધાઇ હતી. અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ છવાયું હતું અને વહેલી સવારથી જ વરસાદી ઝાપટાં ચાલુ થઇ ગયા હતા. બપોરના સમયે તો, ઠંડો પવન ફુંકાવાની સાથે જોરદાર ધોધમાર વરસાદ ત્રાટકયો હતો.
ઉલ્લેખનીય છે કે, બંગાળની ખાડી અને તેને અડીને આવેલા ઉત્તરી ઓરિસ્સા, ઝારખંડ વિસ્તાર પર હાલ લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. આ લો-પ્રેશર સિસ્ટમ ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશ અને રાજસ્થાન થઈ ગુજરાત તરફ આગળ વધી રહી છે. આ સિસ્ટમ રવિવાર મોડી રાત પછી ઉત્તર ગુજરાત પર સક્રિય થતાં સોમવારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો હતો.