વડોદરામાં મોડી રાત્રે ફરી એકવાર ભારે વરસાદ પડવાને કારણે અનેક સ્થળોએ વૃક્ષો તેમજ મકાનોને નુકસાન થયું છે. વાડી મોગલવાડા તેમજ ફતેપુરા પૌવા વાલાની ગલીમાં મકાનોના ભાગ ધરાશાયી થતા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.
બંને બનાવોમાં કોઈ જાનહાની થઈ નથી અને ફાયર બ્રિગેડ દ્વારા બેરીકેટ કરીને અવરજવર બંધ કરવામાં આવી છે. જુદા-જુદા વિસ્તારમાં એક ડઝન જેટલા વૃક્ષો ધરાશાયી થતા ફાયર બ્રિગેડ દ્વારા વૃક્ષો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કારેલીબાગ બહુચરાજી રોડ ખાતે વડનું ઝાડ તૂટતા ચાર મકાનો દબાયા હતા અને તેમાં રહેતા ચાર લોકો અડધો કલાક સુધી ફસાયા હતા. ફાયર બ્રિગેડ દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી હતી. સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો છે તે વડનું ઝાડ તૂટી પડે તેમ હોવાથી કોર્પોરેશનમાં રજૂઆત કરી હતી પરંતુ અમારી અરજી ધ્યાને લેવાઈ ન હતી.