અમદાવાદ: અમદાવાદ શહેરમાં આજે શનિવારના દિવસે પણ વરસાદી માહોલ રહ્યો હતો. સવારથી જ મધ્યમ અને ભારે વરસાદી ઝાપટાનો દોર રહ્યો હતો. સાંજે તોફાની પવન સાથે ભારે વરસાદ પણ થયો હતો. જેના પરિણામ સ્વરૂપે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. સાથે સાથે નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા હતા. અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ હજુ અકબંધ રહે તેવી શક્યતા દેખાઈ રહી છે. અમદાવાદ માટે પણ હવળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જારી રહી શકે છે. અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન ૩૦.૩ અને લઘુત્તમ તાપમાન ૨૪.૩ ડિગ્રી રહ્યું હતું.
અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારથી જ થોડી થોડી વારના અંતરે વરસેલા હળવાથી ભારે અને ધોધમાર વરસાદના ઝાપટાંને પગલે સ્કૂલોએ કે નોકરી-ધંધા-રોજગાર પર જઇ રહેલા બાળકોથી લઇ નાગરિકોએ હાલાકીનો ભોગ બનવું પડયું હતું. રેઇનકોટ વિના નીકળેલા કેટલાક નાગરિકો અને યંગસ્ટર્સ ધોધમાર વરસાદમાં અટવાતાં કોઇ ઘટાદાર વૃક્ષ કે દુકાનની છત નીચે થોડીવાર માટે આશરો લેતા નજરે પડતા હતા. અમદાવાદ શહેરમાં ગઇકાલે રાત્રે પણ છૂટાછવાયા હળવા ઝાપટાં પડયા હતા, પરંતુ આજે વહેલી સવારથી પડેલા ઝાપટાની તીવ્રતા ગઇકાલની સરખામણીએ વધુ હતી.
આજે વહેલી સવારથી શહેરના સેટેલાઈટ, નવરંગપુરા, નારણપુરા, ગુરૂકુળ, થલતેજ, બોપલ, મેમનગર, નિકોલ, વસ્ત્રાપુર, શાહીબાગ, બાપુનગર, મકરબા, રાયપુર, દાણીલીમડા, કાલુપુર, જીવરાજપાર્ક, એસ.જી.હાઈવે, ઘુમા, વાડજ, સાબરમતી અને વસ્ત્રાલ સહિતના વિસ્તારમાં મેઘરાજાએ ધોધમાર વરસાદ વરસાવ્યો હતો. શહેરમાં ભારે વરસાદી ઝાપટા થોડી વાર માટે વિરામ લેતાં કે તરત જ ભરાયેલા વરસાદી પાણી ઓસરી જતા હતા. જેના કારણે શહેરીજનોએ એકંદરે રાહત અનુભવી હતી.
શહેરમાં આજે પણ વરસાદી વાતાવરણ વચ્ચે શહેરના વિવિધ વિસ્તારોમાં ભુવા પડવાની, ખાડાઓ પડવાની અને રસ્તાઓના ધોવાણની વ્યાપક ફરિયાદો પણ ઉઠવા પામી હતી. વરસાદી માહોલ વચ્ચે શહેરના વિવિધ માર્ગો પણ થોડા સમય માટે ટ્રાફિક ચક્કાજામના દ્રશ્યો પણ જાવા મળ્યા હતા. જા કે, ચોમાસાના માહોલને લઇ નાગરિકો વરસાદી મોજ માણતાં પણ નજરે પડતાં હતા. હવામાનખાતાએ હજુ પણ શહેરમાં સારા વરસાદની આગાહી કરી છે.