અમદાવાદ : અમદાવાદ શહેરમાં છેલ્લા પાંચ દિવસથી પડી રહેલા વરસાદમાં આજે બ્રેકની સ્થિતિ રહી હતી. જો કે, ચારેબાજુ ગંદગીનો માહોલ જોવા મળ્યો હતો. બીજી બાજુ કેટલીક જગ્યાઓએ મંગળવારના દિવસે ભારે વરસાદ થયા બાદ પાણી ભરાઈ જતાં આજે પણ પાણી ભરાયેલા જ રહ્યા હતા જેથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી નડી હતી. બીજી બાજુ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવો વરસાદ જારી રહ્યો હતો. સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ ભાગોમાં છેલ્લા ૨૪ કલાકમાં મધ્યમથી ભારે વરસાદ થયો છે. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદમાં આંશિક વાદળછાયુ વાતાવરણ રહેશે અને મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રી રહી શકે છે.
હવામાન વિભાગના કહેવા મુજબ આગામી દિવસોમાં વરસાદી માહોલ જામેલો રહેશે જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદ પડી શકે છે. આ તમામ જગ્યાઓએ ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી આગામી પાંચ દિવસ માટે કરવામાં આવી છે.
જો કે, ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી નથી. હાલમાં જ વાયુ વાવાઝોડાની અસર હેઠળ ગુજરાતના જુદા જુદા ભાગોમાં અતિભારે વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થયો છે જેથી મહત્તમ તાપમાનમાં ઘટાડાની સાથે સાથે ગરમીના પ્રમાણમાં પણ ઘટાડો થતાં લોકોને રાહત થઇ છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૬.૧ ડિગ્રી નોંધાયું છે જ્યારે પાટનગર ગાંધીનગરમાં પણ પારો ૩૫.૮ રહ્યો હતો. મોનસુનની સિઝન દરમિયાન આગામી બે ત્રણ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ફરી એકવાર બેથી ત્રણ ડિગ્રી સુધીનો વધારો થશે.