અમદાવાદ-પુરી સુપર ફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન સંદર્ભે રેલ્વેની ઘોર બેદરકારી સામે આવી છે. પેસેંજરોથી સવાર આ એક્સપ્રેસ ટ્રેન એન્જિન વગર જ ૧૫ કિમી સુધી દોડતી રહી. આ ઘટના શનિવારે રાત્રે ઓરિસ્સાના બાલનગીર નજીક ટિટલાગઢમાં બની હતી. ૧૫ કિમી સુધી ટ્રેન એન્જિન વગર જ ચાલતી રહી અને કોઇને ખ્યાલ પણ ન આવ્યો.
જોકે બાદમાં ટ્રેનને ઉભી રાખી દેવામા આવી હતી, પણ જો થોડો વધુ સમય વીતી ગયો હોત તો એક મોટો અકસ્માત થયો હોત. જો કે આ ઘટનામાં દરેક મુસાફરો સુરક્ષિત છે અને રેલવેએ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે જ્યારે સાત રેલવે કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અહીં આ ઘટના બનવાનું એક કારણ રેલવે ટ્રેક ઢાળ પર આવેલ હોવાનું પણ મનાઇ રહ્યું છે. જ્યારે આ ઘટના બની ત્યારે અમદાવાદ-પુરી એક્સપ્રેસમા ૨૨ ડબ્બા હતા. જેમાં પેસેંજર સવાર હતા.
ઇસ્ટ કોસ્ટ રેલવે (ઇસીઓઆર)ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે સ્કીડ બ્રેક યોગ્ય રીતે ન લગાવવાને કારણે આ ઘટના બની હતી. જ્યારે ટ્રેન ઉભી હતી ત્યારે ઘણા પેસેંજર્સ નીચે ઉતર્યા હતા, તેઓ પણ દોડાદોડી કરવા લાગ્યા હતા. નવાઇની વાત એ છે કે ટ્રેન ૧૫ કિમી સુધી પહોંચી ગઇ ત્યાં સુધી તેને રોકી ન શક્યા. એન્જિન વગર ટ્રેન ચાલતી થઇ ગઇ હોય તેવી આ કોઇ પહેલી ઘટના નથી.
આ પહેલા પણ આવી અનેક બેદરકારીઓ રેલવેમાં સામે આવી ચુકી છે. જ્યારે અમદાવાદ-પુરી એક્સપ્રેસ એન્જિન વગર પાટા પર દોડી રહી હતી તે સમયે કોઇ ટ્રેનના આવવાનો સમય નહોતો નહીં તો મોટો અકસ્માત થવાની પૂરી શક્યતાઓ હતી.