નવી દિલ્હી : આવક વિભાગના અધિકારીઓએ આજે સવારે દિલ્હી સરકારના એક પ્રધાનના આવાસ પર દરોડાની કાર્યવાહી શરૂ કરતા ખળભળાટ મચી ગયો હતો. અધિકારીઓએ કહ્યુ હતુ કે વહેલી સવારથી દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આઇટી ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ સરકારના પ્રધાન કૈલાશ ગહેલોત સાથે જાડાયેલા ૧૬ સ્થળો પર એક સાથે દરોડા પાડ્યા હતા. બીજી બાજુ આમ આદમી પાર્ટીના લોકોએ દરોડાની કાર્યવાહી રાજકીય પ્રેરિત હોવાનો આક્ષેપ કર્યો છે. દરોડા પાડવામાં આવ્યા બાદ એએપીએ ટ્વીટ કરીને કહ્યુહતુ કે અમે પ્રજાને સસ્તી વિજળી આપી રહ્યા છીએ.
મફત પાણી આપી રહ્યા છીએ. યોગ્ય શિક્ષણ આપી રહ્યા છીએ. સરકારી સેવા ઘેર ઘેર પહોંચાડી રહ્યા છીએ. જ્યારે સરકાર સીબીઆઇ અને ઇડીનો ઉપયોગ કરીને અમારા મંત્રીઓ અને નેતાઓ પર તવાઇ લાવવા માટેના પ્રયાસ કરી રહી છે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિન્દ કેજરીવાલે પોતે ટ્વીટ કરીને કહ્યુ છે કે કેન્દ્ર સરકાર યોજનાપૂર્વક આ કાર્યવાહી કરી રહી છે. કેજરીવાલે કહ્યુ છે કે મોદી નીરવ મોદી, વિજય માલ્યા સાથે દોસ્તી કરી રહ્યા છે જ્યારે અમારા પર દરોડા પડાવી રહ્યા છે.
સત્યેન્દ્ર જૈન, મનીષ પર અને તેમના પોતાના પર દરોડા પડાવી દેવામાં આવ્યા છે. અગાઉની દરોડાની કાર્યવાહી દરમિયાન કોઇ ચીજા મળી ન હતી. આગામી દરોડા પાડતા પહેલા દિલ્હીના લોકોની માફી માંગી લેવા માટે અપીલ કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીએ કહ્યુ છે કે જનતા તમામ બાબતોને નિહાળી રહી છે. વર્ષ ૨૦૧૯માં તમામ હિસાબ એક સાથે કરવા માટે ઇચ્છુક છે. ૧૬ જગ્યાએ આજે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.