નવી દિલ્હી:રાફેલ ડિલને લઇને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના અભી તો ખેલ શુરુ હુવા હૈના નિવેદનથી જારદાર વિવાદ છેડાઈ ગયો છે. ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવી ગયા છે. કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદે રાહુલ પર પ્રહાર કરતા કહ્યું છે કે, ભારતના ઇતિહાસમાં કોઇપણ રાષ્ટ્રીય પ્રમુખે વડાપ્રધાનને લઇને આ પ્રકારની ભાષાનો ઉપયોગ કર્યો નથી. અમે કોંગ્રેસ પાર્ટીના જુઠ્ઠાણાનો પર્દાફાશ કરીશું. પ્રસાદે કહ્યું હતું કે, રાહુલ ગાંધી જેવા બિનજવાબદાર અને ખોટા શખ્સ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ છે તે કોંગ્રેસ માટે શરમજનક બાબત છે. આ પ્રકારની વ્યક્તિથી કોઇપણ પ્રકારની અપેક્ષા રાખી શકાય નહીં. પરિવારના તમામ લોકો ભ્રષ્ટાચારમાં ડૂબેલા છે.
નેશનલ હેરાલ્ડ કેસ હોય કે પછી ભ્રષ્ટાચારનો કેસ હોય તમામ લોકો ભ્રષ્ટાચારમાં ડૂબેલા છે. અમેઠીમાં એક જનસભાને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ખેલ હવે શરૂ થયો છે. આવનાર દિવસોમાં કોંગ્રેસ પાર્ટી કેટલાક ખુલાસા કરશે. મોદી સરકારનું દરેક કામ કઇરીતે ચોરીની જેમ છે તે બાબતનો ખુલાસો કરાશે. રાહુલ ગાંધીએ હાલમાં જ કહ્યું હતું કે, રાફેલના મામલામાં મોદીએ અનિલ અંબાણીને લાભ પહોંચાડવાનું કામ કર્યું છે. રાહુલે ઉમેર્યું હતું કે, જે લોકો ભ્રષ્ટાચાર સામે લડવા આવ્યા હતા તે લોકો અનિલ અંબાણીને ૩૦૦૦૦ કરોડ રૂપિયા આપી દીધા છે.
આવનાર બે ત્રણ મહિનામાં અમે ખુબ રોચક બાબતો રજૂ કરનાર છે. નરેન્દ્ર મોદીના જે કામ છે તે રાફેલ, લલિત મોદી, વિજય માલ્યા, નોટબંધી અને ટેક્સ જેવા છે. આ તમામમાં ચોરી કરવામાં આવી છે. મોદી ચોકીદાર નહીં બલ્કે ચોર છે તે બાબત અમે સાબિત કરીશું. કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રાફેલને લઇને આક્ષેપબાજીનો દોર આગામી ચૂંટણી સુધી જારી રહે તેવી શક્યતા છે. કોંગ્રેસ પાર્ટી આ મુદ્દે ભાજપને મુશ્કેલીમાં મુકવા ઇચ્છુક છે જ્યારે ભાજપ કોંગ્રેસને ખુલ્લા પાડી દેવા ઇચ્છુક છે.