2019માં પીએમ પદના દાવેદારીવાળા નિવેદન પર કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને તેમના સહયોગી પક્ષોથી જ સારુ સમર્થન મળતું જણાતું નથી. ભાજપે રાહુલના નિવેદન પર કટાક્ષ કર્યો છે. યુપીએના મુખ્ય સહયોગી દળ એનસીપીએ જણાવ્યું કે રાહુલને સપનાં જોવાનો હક છે, પરંતુ પીએમ કોણ હશે એ તો લાખ ટકાનો સવાલ છે. ભાજપના પ્રવકતા સંબિત પાત્રાએ જણાવ્યું કે રાહુલને કોઇ પીએમ પદના ઉમેદવાર જાહેર કરી રહ્યું નહોતું આથી તેમણે જાતે જ પોતાને પીએમના ઉમેદવાર તરીકે જાહેર કરી લીધા છે.
રાહુલે બેંગલુરૂમાં કહ્યું હતું કે જો તેમની પાર્ટી 2019ની ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવે છે તો તેઓ પીએમ બની શકે છે. એ પૂછવા પર કે જો 2019માં કૉંગ્રેસ સૌથી મોટી પાર્ટી બને છે તો શું તેઓ પીએમ બનશે તેના પર રાહુલે જણાવ્યું કે, હા કેમ નહીં. રાહુલે જણાવ્યું કે કેટલાંક રાજ્યોમાં અમે અમારી રણનીતિ પર કામ કરીએ છીએ તો કદાચ કૉંગ્રેસને 2014 જેવા પરિણામ જોવા મળે. તેમણે જણાવ્યું કે તમે જોજો 2019માં મારું રાજકીય આકલન સાચું સાબિત થશે અને નરેન્દ્ર મોદી પીએમ બનશે નહીં.
ભાજપની સાથે અન્ય પાર્ટીઓએ રાહુલ ગાંધીના નિવેદન પર કટાક્ષ કર્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપના પ્રવકતા સંબિત પાત્રાએ રાહુલના નિવેદન પર કટાક્ષ કરતાં કહ્યું કે રાહુલને કોઇએ પીએમ જાહેર ન કર્યા તો જાતે જ પીએમ તરીકે જાહેરાત કરી દીધી. તેમણે કહ્યુંકે પીએમ બનવા માટે રાહુલને યોગ્યતાનું પ્રદર્શન કરવું પડશે. રાહુલ એક પાર્ટીના બેરોજગાર અધ્યક્ષ છે. રાહુલ પોતાની અટકના લીધે નેતા છે.