કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી જે રીતે પાર્ટીમાં જુદા જુદા સ્તર પર ફેરફાર કરી રહ્યા છે અને હાલમાં સક્રિય થયેલા છે તે જોતા લોકસભાની ચૂંટણીમાં તેમને ચોક્કસપણે ફાયદો કરાવશે. જો કે હજુ પણ તેમની સામે પડકારો ઓછા નથી. કારણ કે કેન્દ્રમાં સત્તામાં પહોંચાડી શકે તેવા રાજ્યમાં કોંગ્રેસ પાર્ટી આજે પણ સ્પર્ધામાં દેખાઇ રહી નથી. જેમ કે ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિં બંગાળમાં તેની સ્થિતી સારી દેખાઇ રહી નથી. હાલમાં હિન્દી પટ્ટાના ત્રણ રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તિસગઢમાં જીત તેમજ ગુજરાતમાં શાનદાર દેખાવ બાદ આશા ચોક્કસપણે જાગી છે પરંતુ તેમની સામે પડકારો ખુબ વધારે છે.
હાલમાં જુદા જુદા રાજ્યોમાં તેમના આક્રમક પ્રચારના કારણે જ ભારતીય જનતા પાર્ટીને તેમની તમામ તાકાત લગાવી દેવાની ફરજ પડી છે. તેમના જોરદાર પ્રચારના કારણે જ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તિસગમાં પાર્ટીને જીત મળી હતી. કર્ણાટક અને ગુજરાતમાં પાર્ટીની હાર થઇ હોવા છતાં પાર્ટી સન્માનજનક સીટો મેળવી શકી હતી અને જેડીએસની સાથે મળીને આજે સરકાર બનાવી શકી હતી. કર્ણાટકના ગઢને જાળવી રાખવામાં સફળ રહી હતી. રાહુલ ગાંધીના ઝંઝાવતી પ્રચારના કારણે ગુજરાત જેવા ભાજપના સૌથી મોટા ગઢમાં કોંગ્રેસે જોરદાર ગાબડા પાડી દીધા હતા અને સત્તા મેળવતા સહેજમાં રહી ગઇ હતી. ભાજપની સીટોમાં ઉલ્લેખનીય ઘટાડો થયો હતો. ભાજપ પોતાની પ્રતિષ્ઠા જ જાળવી શક્યો હતો.
તેમની મહેનત રાજસ્થાન અને અન્ય રાજ્યોમાં પણ દેખાઇ રહી છે. તેમના પ્રચારની રણનિતી અને જુદા જુદા પાર્ટી નેતાઓને જે રીતે જવાબદારી સોંપી રહ્યા છે તેમનાથી ફાયદો થઇ રહ્યો છે. રાહુલ ગાંધી આ જ રીતે પાર્ટીની પ્રતિષ્ઠાને સુધારી દેવા અને ભાજપ સામે જોરદાર રીતે મેદાનમાં ઉતરવા માટેની તૈયારી કરી રહ્યા છે. ભાજપને સત્તા પરથી દુર કરવા માટે એકબાજુ જુદા જુદા પક્ષો સાથે હાથ મિલાવવા માટેના પ્રયાસ કરી રહ્યા છે. બીજી બાજુ પોતાની પાર્ટીમાં પણ મોટા પાયે ફેરફાર કરી રહ્યા છે અને યોગ્ય જવાબદારી અસરકારક લોકોને આપી રહ્યા છે. ચૂંટણી પહેલા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પાર્ટી સંગઠનમાં મોટા ફેરફાર કરીને પાર્ટીમાં નવા પ્રાણ ફુંકવાના પ્રયાસ કર્યા છે. મોતીલાલ વોરાની જગ્યાએ વરિષ્ઠ નેતા અહેમદ પટેલને કોષાધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા છે.
તેમની સાથે મોતીલાલ વોરાને મહાસચિવની જવાબદારી સોંપવામાં આવી છે. રાજસ્થાનથી સંબંધ ધરાવનાર પાર્ટીના વરિષ્ઠ નેતા સીપી જાશીની જગ્યાએ ફલેરિયોને પૂર્વોત્તરના રાજ્યોના પ્રભારી મહાસચિવ બનાવવામાં આવ્યા છે. ફલેરિયો ગોવાના પૂર્વ મુખ્યમંત્રી છે. વરિષ્ઠ નેતા આનંદ શર્માને કરનસિંહની જગ્યાએ પાર્ટીના વિદેશી મામલાઓના વિભાગના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. લોકસભાના પૂર્વ અધ્યક્ષ મીરાકુમારને કોંગ્રેસ કારોબારી સમિતિમાં સ્થાયી આમંત્રિત સભ્ય તરીકે સામેલ કરવામાં આવ્યા છે. પ્રિયંકા ગાંધીને ઉત્તરપ્રદેશમાં મોટી જવાબદારી સોંપી દેવામાં આવી છે. આ તમામ બાબતો દર્શાવે છે કે રાહુલ આ વખતે દરેક હથિયારનો ઉપયોગ કરવા માટે ઇચ્છુક છે.