છત્તીસગઢમાં વિધાનસભા ચુંટણીના બીજા તબક્કા માટે ૨૦મી નવેમ્બરના દિવસે મતદાન થનાર છે. સરગુજાના કોરીયામાં આજે ચુંટણી સભાને સંબોધતા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી ઉપર આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે તેમના ભાષણમાં તેમને કોઈપણ જગ્યાએ ખોટી વાત કરી નથી. મોદી ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે વાંધાજનક ટિપ્પણી તેમના દ્વારા કરવામાં આવી રહી છે. કોંગ્રેસ પ્રમુખે કહ્યું હતું કે કાળા નાણા સામે લડત લડવાની વાત મોદીએ કરી હતી. મોદીએ હાલના સંબોધનમાં નોટબંધીના મુદ્દે વાત કરી હતી. રાહુલે કહ્યું હતું કે લોકોએ કોઈ ચોરી કરી નથી. જે સામાન્ય લોકોને ચોર કહી રહ્યા છે તે પોતે ચોરી કરી રહ્યા છે અને તેમનું નામ નરેન્દ્ર મોદી છે.
કાળા નાણાં ધરાવનાર લોકોએ પોતાના પૈસા વાઈટ બનાવી લીધા છે. નિરવ મોદી ૩૫ હજાર કરોડ રૂપિયા લઈને ફરાર થઈ ચુક્યા છે. દેશના યુવાનોને મુશ્કેલીમાં મુકીને મોદીએ નોટબંધી કરીને અમીરોના ખીસામાં પૈસા ઉમેરી દીધા છે. નાના દુકાનદારો, નાના ઉદ્યોગ સાહસિકોને ખતમ કરવાનું કામ કરવામાં આવ્યું છે. ઉદ્યોગપતિઓની મદદ કરવામાં આવી રહી છે. રાફેલના મુદ્દે વડાપ્રધાન લોકસભામાં મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. કોંગ્રેસની પ્રશંસા કરતા રાહુલે કહ્યું હતું કે કોંગ્રેસની યુપીએ સરકારે ખેડુતોના ૭૦ હજાર કરોડ રૂપિયાનું દેવુ માફ કર્યું હતું. રાહુલે કહ્યું હતું કે કોંગ્રેસની સરકાર જા છત્તીસગઢમાં આવશે તો ૧૦ દિવસની અંદર ખેડુતોનું દેવું માફ કરી દેવામાં આવશે. રમણસિંહે બે વર્ષનું બોનસ જે આંચકી લેવામાં આવ્યું છે તે પણ ખેડુતોને આપવામાં આવશે.