નવી દિલ્હી : પાંચમા તબક્કામાં સોમવારના દિવસે મતદાન યોજાય તે પહેલા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે પત્રકાર પરિષદ યોજી હતી. રાહુલે પત્રકાર પરિષદ યોજીને ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર તેજાબી પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યુ હતુ કે આંતરિક રિપોર્ટ પરથી સ્પષ્ટ થઇ ગયુ છે કે વડાપ્રધાન મોદી અને ભાજપની હાર થઇ રહી છે. મોદી દ્વારા પત્રકાર પરિષદ ન કરવાને લઇને પણ પ્રશ્નો કર્યા હતા. રાહુલે ફરી એકવાર રાફેલમાં ભ્રષ્ટાચારને લઇને આક્ષેપોને રજૂ કર્યા હા. સુપ્રીમ કોર્ટમાં પોતાના દ્વારા માફી માંગવાને લઇને પણ ખુલાસો કર્યો હતો.
કોંગ્રેસ પ્રમુખે કહ્યુ હતુ કે ભાજપની હાર થવા જઇ રહી છે. અમને હજુ સુધી જે રિપોર્ટ મળી રહ્યા છે તે મુજબ મોદી ચૂંટણી હારી રહ્યા છે. ભાજપની ચૂંટણીમાં વાપસી થઇ રહી નથી. સરકાર બનાવવા માટેના પ્રશ્નના જવાબમાં કહ્યુ હતુ આ તમામ બાબતો અંગે નિર્ણય પરિણામ બાદ નક્કી કરવામાં આવનાર છે. હાલમાં ભારતીય જનતા પાર્ટીને પરાજિત કરવાનો લક્ષ્યાંક રહેલો છે. ચોકીદાર ચોરહેના નિવેદન પર માફી માંગવાના પ્રશ્ને રાહુલે કહ્યુ હતુ કે તેમનાથી ભુલ થઇ હતી. જેથી માફી માંગવી લેવામાં આવી છે.
રાહુલે કહ્યુ હતુ કે સુપ્રીમ કોર્ટમાં વિચારાધીન મામલે એસસીના હવાલાથી તેમને આ ટિપ્પણી કરી હતી. સેનાના રાજનીતિકરણ અને યુપીએ શાસનકાળમાં સર્જિકલ સ્ટ્રાઇકને લઇને રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે સર્જિકલ સ્ટ્રાઇક સેનાનો પરાક્રમ છે. મોદી આના પર સવાલ ઉઠાવીને સેનાનુ અપમાન કરે છે.