નવીદિલ્હી : સીબીઆઇ નિર્દેશક આલોક વર્માને રજા ઉપર મોકલી દેવાના નિર્ણયની સામે વિપક્ષે નરેન્દ્ર મોદી સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ વર્માની સામે કરવામાં આવેલા નિર્ણયને રાફેલ સાથે જોડતા કહ્યું છે કે, વડાપ્રધાન મોદી આના માટે જવાબદાર છે. રાજસ્થાનના હડોતીમાં એક રેલીમાં રાહુલે કહ્યું હતું કે, ગઇકાલે રાત્રે ચોકીદારે સીબીઆઈના નિર્દેશકને દૂર કરી દીધા હતા. સીબીઆઈ નિર્દેશકે રાફેલ સોદાને લઇને પ્રશ્નો ઉઠાવ્યા હતા જેથી તેમને દૂર કરી દેવામાં આવ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, દેશનું બંધારણ આજે ખતરામાં છે.
રાહુલે ફરી એકવાર આક્ષેપ કરતા કહ્યું હતું કે, મોદીએ અનિલ અંબાણી માટે રાપેલ સોદામાં દરમિાયનગીરી કરી હતી. યુપીએ સરકારે આ સોદાબાજીનો કોન્ટ્રાક્ટ એચએએલને આપ્યો હતો. યુપીએ સરકારના ગાળા દરમિયાન રાફેલની કિંમત ૫૨૬ કરોડ રૂપિયા હતી. બીજી બાજુ કોંગ્રેસના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ મોદી સરકારને ભીંસમાં લેતા કહ્યું છે કે, કેન્દ્ર સરકાર ભારતીય તપાસ સંસ્થાઓને ખતમ કરી રહી છે. તેમને આઈસીયુમાં મોકલી રહી છે. અભિષેકે કહ્યું હતું કે, કેન્દ્રની મોદી સરકાર કૌભાંડમાં પોલ ખુલી જવાના ભયથી ચિંતિત છે. મોદી સરકાર અને ભાજપના વરિષ્ઠ નેતાઓએ પોતાના ખાસ ગુજરાત મોડલ હવે કેન્દ્ર અને સીબીઆઈમાં લાગૂ કરી દીધા છે. સીબીઆઈને પણ છોડવામાં આવી નથી. રાફેલ સોદાબાજીથી ભયભીત મોદી સરકાર આ નિર્ણય કરી રહી છે. કોંગ્રેસે સાત આરોપો મારફતે મોદી સરકારને ભીંસમાં લીધા હતા. કોંગ્રેસે આક્ષેપ કરતા કહ્યું હતું કે, રાફેલ ફોબિયાથી બચવા માટે સરકાર ગેરબંધારણીય રીતે સીબીઆઈના નિર્દેશકને સસ્પેન્ડ કરી દીધા છે જે ગેરકાયદે છે. પોતાના ખોટા કામોને બચાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યા છે. સરકારે સુપ્રીમ કોર્ટના એવા નિર્ણયને પણ નકારી દીધા છે જેમાં સુપ્રીમ કોર્ટે સીબીઆઈના વડાની અવધિ બે વર્ષ નક્કી કરવામાં આવી છે.
કેન્દ્ર દ્વારા ચાલાકીપૂર્વક સીબીઆઈના નિર્દેશકને બળજબરીથી રજા ઉપર મોકલી દેવામાં આવ્યા છે. સીબીઆઈ વડા એક અધિકારી પર વસુલી જેવા ગંભીર આરોપના તપાસ કરાવી રહ્યા હતા જેથી તેમને દૂર કરી દેવામાં આવ્યા છે. સરકાર આ અપરાધીની તરફેણમાં છે. કોંગ્રેસે આક્ષેપ કરતા કહ્યું હતું કે, મોદી સીબીઆઈના કામકાજમાં દરમિયાનગીરી કરી રહ્યા છે. સિંઘવીએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, વડાપ્રધાન અધિકારીઓને બોલાવે છે અને ફોજદારી પ્રક્રિયામાં દરમિયાનગીરી કરે છે. ભાજપ સીવીસીના અધિકાર ક્ષેત્ર ઉપર દેશને ગેરમાર્ગે દોરી રહી છે. સીવીસીની પાસે કોઇને પણ દૂર કરવા અથવા નિમવા માટેના અધિાકર નથી.સિંઘવીએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, ભાજપે એક પછી એક જટિલ સમસ્યા ઉભી કરી છે. નોટબંધી મારફતે પણ અનેક સમસ્યા ઉભી કરી હતી.
સીવીસી એક સુપરવાઇઝરી સંસ્થા છે જે સીબીઆઈને સુપરવાઈઝ કરે છે. ભાજપ દેશને ગેરમાર્ગે દોરે છે. કેન્દ્ર સરકારે સીબીઆઈ વડાને રજા પર મોકલતા પહેલા વિપક્ષના નેતા અને ચીફ જસ્ટિસને બોલાવ્યા ન હતા. કોંગ્રેસી નેતાએ કહ્યું હતું કે, લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ થઇ રહ્યા છે. રાફેલ મેનિયાના કારણે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ રહી છે. બીજી બાજુ કોંગ્રેસના નેતા મનિષ તિવારીએ પણ ટ્વિટ કરીને સરકારના નિર્ણય સામે પ્રશ્નો ઉઠાવ્યા છે. લોકપાલ એક્ટ અને જૈન હવાલા બંને મામલામાં સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, સીબીઆઈના ડિરેક્ટરની બે વર્ષની ફિક્સ્ડ હોય છે. સરકાર તેમાં ઘટાડો કરી શકે નહીં. આ ઉપરાંત વડાપ્રધાન, ચીફ જસ્ટિસ અને વિપક્ષના નેતાની સાથે બેસીને વાતચીત વગર કોઇપણ વચગાળાનો નિર્ણય પણ કરી શકાય નહીં. કોંગ્રેસના અન્ય એક નેતા રણદીપ સૂરજેવાલાએ પણ ભાજપ સરકારની જારદાર ઝાટકણી કાઢી છે. મોદી સીબીઆઈ વડાને સીધીરીતે હટાવી શકે નહીં.