નવી દિલ્હી : કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે આક્ષેપ કરતા કહ્યું હતું કે, પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાઢેરાને એ વખતે ગેરકાયદેરીતે પકડી લેવામાં આવ્યા હતા જ્યારે તેઓ સોનભદ્ર જિલ્લામાં થયેલા ખૂની સંઘર્ષના પીડિતોને મળવા માટે જઇ રહ્યા હતા. ઉત્તરપ્રદેશની ભાજપ સરકાર ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, સત્તામાં મનમાની કરવામાં આવી રહી છે. સત્તામાં મનમાની તેમની વધી રહેલી અસુરક્ષાને દર્શાવે છે. કોંગ્રેસના મહાસચિવ અને પૂર્વીય ઉત્તરપ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધીને શુક્રવારના દિવસે સોનભદ્ર તરફ જતી વેળા રોકી દેવામાં આવ્યા હતા.
કોંગ્રેસે દાવો કર્યો હતો કે, પ્રિયંકા ગાંધીને પોલીસે કસ્ટડીમાં લઇ લીધી હતી. રાહુલ ગાંધીએ ટવિટ કરીને કહ્યું છે કે, સોનભદ્રમાં પ્રિયંકાની ગેરકાયદે ધરપકડ પરેશાન કરનાર તરીકે છે. રાહુલે એમ પણ કહ્યું હતું કે, ૧૦ આદિવાસીઓના પરિવારના સભ્યોને પ્રિયંકા મળવા જઈ રહ્યા હતા. જેમની પોતાની જમીન છોડવાથી ઇન્કાર કરવામાં આવતા ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી. પ્રિયંકાને રોકવા માટે સત્તાનો મનમાનીરીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભાજપની સરકારની વધતી અસુરક્ષા આનાથી દેખાઈ આવે છે. અન્ય કોંગ્રેસી વરિષ્ઠ નેતાઓને લઇને ઉત્તરપ્રદેશની સરકારની ટિકા કરી છે અને કહ્યું છે કે, લોકશાહીને દબાવવાના પ્રયાસ થઇ રહ્યા છે.
કોંગ્રેસના મહાસચિવ અને પશ્ચિમી ઉત્તરપ્રદેશના પ્રભારી રહી ચુકેલા જ્યોતિરાદિત્ય સિંધિયાએ પ્રિયંકા ગાંધીની અટકાયતને લઇને યોગી આદિત્યનાથ સરકાર ઉપર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, આ કાર્યવાહી લોકશાહીનું ખુલ્લુ અપમાન છે. તેમણે ટવિટ કરીને કહ્યું હતું કે, લોકશાહીની અવગણના કરવામાં આવી રહી છે. પીડિત પરિવારને મળવાની બાબત તથા સંવેદના વ્યક્ત કરવાની બાબત દરેક જનપ્રતિનિધિનું પ્રથમ કર્તવ્ય છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું છે કે, ભાજપ સરકારે ઉત્તરપ્રદેશને અપરાધ પ્રદેશ બનાવી દીધું છે.