નવીદિલ્હી : લોકસભાની ચૂંટણી ૨૦૧૯ના ગાળા દરમિયાન શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે એકબીજા ઉપર પ્રહારો કરવામાં આવી રહ્યા છે ત્યારે રાહુલ ગાંધીએ એક ટ્વિટ કરીને રાજકીય ચર્ચા વધુ તીવ્ર બનાવી દીધી છે જેમાં રાહુલ ગાંધીએ કહ્યું છે કે, રાજનીતિમાં હિંસા અને વાંધાજનક શબ્દોનો ઉપયોગ થવો જાઇએ નહીં. કારણ કે આ બાબત દેશ માટે યોગ્ય નથી. રાહુલે સાફ શબ્દોમાં કોઇ નેતા અથવા તો પાર્ટીના નામનો ઉલ્લેખ કર્યો નથી પરંતુ આને કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર અય્યર અને બંગાળમાં હિંસા સાથે જોડવામાં આવે છે.
રાહુલે ટ્વિટ કરીને કહ્યું છે કે, રાજનીતિમાં એક નવા પ્રકારની ભાષાનો ઉપયોગ કરવામાં આવે તેમ તેઓ ઇચ્છે છે. મુદ્દા આધારિત આક્ષેપબાજી કરવામાં આવે તે જરૂરી છે. એકબીજા સામે ઘૃણા અને હિંસાને બંધ કરવાનો સમય છે. રાહુલ ગાંધીએ સાફ શબ્દોમાં કોઇ વાત કરી નથી પરંતુ આને કોંગ્રેસી નેતા મણિશંકર અય્યર સાથે જોડીને જોવામાં આવે છે. મોદીના સંદર્ભમાં ૨૦૧૭માં મણિશંકર અય્યરે નીચ શબ્દનો ઉપયોગ કર્યો હતો.
હવે મણિશંકર અય્યરે પોતાના વિવાદાસ્પદ નિવેદનને યોગ્ય ઠેરવીને એક લેખ લખીને ચર્ચા જગાવી દીધી છે જેના કારણે કોંગ્રેસ પાર્ટીને ફરીવાર સ્પષ્ટતા કરવાની ફરજ પડી રહી છે. હવે આ લેખને લઇને સ્પષ્ટતા બાદ નવો વિવાદ છેડાઈ ગયો છે. બીજી બાજુ પશ્ચિમ બંગાળમાં લોકસભાની ચૂંટણીના દરેક તબક્કામાં વ્યાપક હિંસા થઇ છે. કોઇપણ પ્રકારની વાત પર બંગાળમાં ટીએમસી અને ભાજપ વચ્ચે હિંસા થઇ છે. અનેક જગ્યાઓએ પથ્થરમારાના બનાવો બન્યા છે. કેટલાક કાર્યકરોની હત્યા કરવામાં આવી છે. રાહુલે જે ટ્વિટ કરીને હિંસાનો ઉલ્લેખ કર્યો છે તે બંગાળની તરફ ઇશારો હોઈ શકે છે.