અમદાવાદ : કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઇ કોંગ્રેસના પ્રચારને લઇ વંથલી સહિતના સ્થળોએ વિશાળ જાહેરસભા સંબોધી હતી. જૂનાગઢના વંથલી ખાતેની વિશાળ જનસભાને સંબોધન દરમ્યાન રાહુલ ગાંધીએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરી ચાબખા વરસાવ્યા હતા. રાહુલે મોદી અને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરવાની સાથે સાથે કોંગ્રેસ જા આ વખતે સત્તા પર આવી તો, ખેડૂતો, ગરીબો, બેરોજગારો અને મહિલાઓ માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવાની જાહેરાતો કરી હતી.
જેમાં સૌથી મહત્વની જાહેરાત કરતાં રાહુલ ગાંધીએ જણાવ્યું કે, જા કોંગ્રેસ સત્તામાં આવી તો, આઝાદ ભારતના ઇતિહાસમાં દેવુ નહી ચૂકવી શકનાર કોઇપણ ખેડૂતને કોંગ્રેસના શાસનમાં કયારેય જેલમાં નહી જવુ પડે. કોંગ્રેસ સત્તામાં આવશે તો, બે બજેટ રજૂ કરશે..એક દેશનું ઓવરઓલ બજેટ અને બીજું ખેડૂતો માટે વિશેષ બજેટ. જે રજૂ કરતાં પહેલાં ખેડૂતોની રજૂઆત સાંભળી તેઓને વિશ્વાસમાં લેવામાં આવશે. રાહુલે જા કોંગ્રેસની સરકાર આવશે તો, તત્કાલ ન્યાય યોજના લાગુ કરવાની જાહેરાત કરી હતી. રાહુલ ગાંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સીધા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના તમામ નાગરિકોના ખાતામાં રૂ.૧૫ લાખ જમા કરાવવાની અને બે કરોડ નોકરીઓ આપવાની જાહેરાતો કરી હતી પરંતુ હજુ સુધી લોકોના ખાતામાં પૈસા આવ્યા નથી કે યુવાઓને રોજગારી મળી નથી, ઉલ્ટાના ૪૫ વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ રોજગારી મોદી સરકારના શાસનમાં પેદા થઇ છે.
જેથી પુરવાર થાય છે કે, મોદી જૂઠ્ઠાણાં અને ગપગોળા ચલાવે છે પરંતુ કોંગ્રેસ એવું નહી કરે. કોંગ્રેસ હંમેશા સાચુ જ બોલે છે અને જે કરી શકે તેમ હોય તે જ કહે છે. અમે મોદીની જેમ રૂ.૧૫ લાખનો આંકડો નથી બોલતા, પરંતુ નિષ્ણાત આર્થિક તજજ્ઞો પાસે પૂરતો અભ્યાસ અને રિસર્ચ કરાવ્યો અને એક આંકડો જાણ્યો કે, દેશના સૌથી વધુ ગરીબ ૨૦ ટકા લોકોના ખાતામાં કેટલી રકમ જમા કરાવી શકાય તો, નિષ્ણાત તજજ્ઞોએ તારણ બાદ આંકડો આપ્યો કે, રૂ.૭૨૦૦૦. આમ, અમે તર્ક અને અમલ થઇ શકે તે રીતે આ આંકડો નક્કી કર્યો છે, મોદીની જેમ બોલવા ખાતર રૂ.૧૫ લાખ બોલી નથી નાંખ્યું. કોંગ્રેસની સરકાર આવશે તો, દેશના સૌથી વધુ ગરીબ એવા લોકોના ખાતામાં વાર્ષિક રૂ.૭૨ હજારની રકમ જમા કરવામાં આવશે. પાંચ કરોડ ગરીબ મહિલાઓને આ રકમ પ્રાપ્ય બનાવાશે. પાંચ વર્ષમાં તેમના ખાતામાં રૂ.૩.૬૦,૦૦૦ જમા કરાવવામાં આવશે. કોંગ્રેસ કોઇપણ સંજાગોમાં દેશમાંથી ગરીબીને મિટાવીને રહેશે.