સલેમ : કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે તમિળનાડુના સલેમમાં ઝંઝાવતી ચૂંટણી પ્રચાર કરીને ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા. સાલેમમાં એક ચૂંટણી સભાને સંબોધતા રાહુલે કહ્યું હતું કે, નોટબંધી અને જીએસટીના પરિણામ સ્વરુપે ભારે નુકસાન થયું છે. તેમણે કહ્યું હતું કે, જા કોંગ્રેસની સરકાર આવશે તો જીએસટીને ખતમ કરવામાં આવશે. સાથે સાથે એમ પણ કહ્યું હતું કે, ન્યાય યોજના મારફતે તેમની પાર્ટી ડીએમકેની સાથે મળીને તમિળનાડુ અને દેશથી ગરીબીને ખતમ કરવાના પ્રયાસ કરશે. રાહુલે નીટને લઇને તમિળનાડુના લોકોના અભિપ્રાય પર ગંભીરતા દર્શાવવાના વચન આપતા કહ્યું હતું કે, સ્ટાલિને અમારા ઘોષણાપત્રનો ઉલ્લેખ કર્યો છે. તેઓએ સત્તાના વિકેન્દ્રીકરણનો ઉલ્લેખ કર્યો છે.
ભાજપની જેમ અમારો ઘોષણાપત્ર બંધ રુમમાં તૈયાર કરાયો નથી. લાખો ભારતીયોના અભિપ્રાય લેવામાં આવ્યા છે. રાહુલે નોટબંધીનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, અમે વાતચીતમાં વિશ્વાસ કરીએ છીએ. લોકોને સાંભળવામાં વિશ્વાસ કરીએ છીએ. વાતચીત મારફતે જ કોઇ નિકાલ આવી શકે છે પરંતુ ભાજપ અને મોદી વાતચીતમાં વિશ્વાસ રાખતા નથી. ૧૦૦૦ રૂપિયાની નોટ બંધ કરવાના પરિણામ સ્વરુપે તિરુપુરમાં ટેક્સટાઇલ હબ તુટી પડ્યું છે. સિલ્ક કેપિટલ કાંચીપુરમ તુટી પડ્યું છે. નોટબંધી પહેલા કોઇની સાથે વાત કરવામાં આવી ન હતી. ૧૨ વર્ષના બાળકને પણ પૂછવામાં આવ્યું હોત તો બાળકે પણ જવાબ આપ્યો હોત કે નોટબંધી જેવા નિર્ણય લઇ શકાય નહીં. આવા નિર્ણયથી અર્થતંત્રને નુકસાન થશે. કોંગ્રેસની સરકાર આવવાની સ્થિતિમાં જીએસટીને ખતમ કરવામાં આવશે. રાહુલે આક્ષેપ કરતા કહ્યું હતું કે, હજારો કરોડ રૂપિયા અદાણી અને અંબાણી જેવા લોકોને આપી દેવામાં આવ્યા છે. ત્રણ લાખ ૫૬ હજાર કરોડ રૂપિયા ૧૫ અમીર લોકોને આપી દેવામાં આવ્યા છે.
જંતરમંતર ઉપર દેખાવ કરીને લોકો પહોંચ્યા ત્યારે તેમની વાત સાંભળવામાં આવી ન હતી. ગબ્બરસિંહ ટેક્સના કારણે લોકોની હાલત કફોડી બની છે. ૨૦૧૯ની ચૂંટણીમાં જીત થતાંની સાથે જ જીએસટીને ખતમ કરવામાં આવશે. એક ટેક્સ ઓછામાં ઓછા ટેક્સની વ્યવસ્થા લાગૂ કરવામાં આવશે. રાહુલે ન્યાય યોજના મારફતે સર્જિકલ સ્ટ્રાઇક કરવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ન્યાય યોજનાથી ગરીબી પર સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવશે. ડીએમકેની સાથે મળીને તમિળનાડુ અને ભારતની ગરીબીને ખતમ કરવામાં આવશે. જા વર્તમાન સરકાર હજારો કરોડ અંબાણીને આપી શકે છે તો કોંગ્રેસ પાર્ટી ગરીબ લોકોને પણ પૈસા આપી શકે છે. એક નવી સ્કીમ ન્યાય યોજના ચલાવવામાં આવશે. ચૂંટણી જીત્યા બાદ દેશના ૨૦ ટકા સૌથી ગરીબ લોકોની ઓળખ કરવામાં આવશે. સૌથી ગરીબ લોકોને ૭૨૦૦૦ રૂપિયા વાર્ષિક અપાશે.