ઇન્દોર : કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી દરમિયાન તમામ તાકાત લગાવી ચુક્યા છે. જુદા જુદા રાજ્યોમાં રોડ શો અને રેલીઓ યોજી રહ્યા છે. એક બાબત જાવા મળી રહી છે કે, કોંગ્રેસ પ્રમુખ જ્યાં પણ જાય છે ત્યાંના મુદ્દા ઉપર ઓછો ભાર મુકી રહ્યા છે. કેન્દ્રના મુદ્દા ઉપર વધારે વાત કરી રહ્યા છે. લોકસભા ચૂંટણી નજીક હોવાથી રાહુલ ગાંધી આ મુજબની નીતિ અપનાવી રહ્યા છે. રાહુલ વારંવાર ૨૦૧૪ની ચૂંટણી દરમિયાન કરવામાં આવેલા વચનોની યાદ અપાવે છે.
રાહુલ ગાંધીએ આજે ખરગોનમાં રેલી યોજી હતી. રાહુલે ભાજપના અચ્છે દિન આયેંગેના માધ્યમથી પ્રહાર કર્યા હતા. રાહુલે રેલીમાં કહ્યું હતું કે, પહેલા નારો હતો કે, અચ્છે દિન આયેંગે હવે નારો થઇ ગયો છે કે, ચોકીદાર ચોર છે. આ તમામ કઇરીતે બન્યું છે. નરેન્દ્ર મોદી દ્વારા સ્થિતિને બદલી દેવામાં આવી છે. રાહુલે એમ પણ કહ્યું હતું કે, શૂટબૂટ અને લૂંટની સરકાર હવે આવી ગઈ છે. ઇન્દોરને મુંબઈ જેટલું જ મહત્વ આપવાની વાત કરતા રાહુલે કહ્યું હતુંકે, ઇન્દોર મુંબઈથી ઓછું નથી.
ઇન્દોરનું નામ પણ તમામ લોકો જાણે તે જરૂરી છે. કોંગ્રેસની સત્તા આવશે તો ભોપાલ અને ઇન્દોરને પણ વિશ્વના નક્શા ઉપર લાવવા માટે કામ કરવામાં આવશે. રાહુલ ગાંધી મધ્યપ્રદેશમાં આક્રમકરીતે પ્રવાસમાં પ્રચારમાં વ્યસ્ત રહ્યા છે. આજે તેમની યાત્રાના બીજા દિવસે રાહુલ ગાંધી ભાજપ અને વડાપ્રધાન મોદી પર પ્રહાર કરતા નજરે પડ્યા હતા.