નવીદિલ્હી: એસસી-એસટી બિલને લઇને જંતરમંતર થયેલા પ્રદર્શનને સમર્થન આપવા માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ પહોંચ્યા હતા. રાહુલે ફરી એકવાર કેન્દ્રની મોદી સરકારને દલિત વિરોધી ગણાવીને કહ્યું હતું કે, દેશભરમાં દલિતો ઉપર અત્યાચાર થઇ રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, દેશમાં જ્યાં પણ દલિતો ઉપર અત્યાચારની સામે બોલાવવામાં આવશે ત્યાં જશે. રાહુલની સાથે મંચ ઉપર સીતારામ યેચુરી પણ દેખાયા હતા.
રાહુલે કહ્યું હતું કે, વડાપ્રધાનની વિચારધારા દલિત વિરોધી છે. જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ એક પુસ્તક લખ્યું હતું કે, દલિતોને સાફ સફાઈ કરવામાં આનંદ આવે છે. મોદીની આ વિચારધારા છે. જો તેઓ દલિતોની પીડાને સમજ્યા હોત તો તેમની સરકારની નીતિઓ જુદી રહી હોત.
તેમણે કહ્યું હતું કે તમામને એક મત થઇને ભાજપ અને સંઘની માનસિક વિચારાધારાને બદલવાની જરૂર છે. તેમની વિચારધારા નફરતની રહી છે જ્યારે કોંગ્રેસ પાર્ટી તમામને સાથે લઇને ચાલવા ઇચ્છુક છે. ૨૦૧૯માં મોદી સરકાર ચોક્કસપણે હારશે. દેશમાં કોઇપણ જગ્યાએ આંદોલન થશે ત્યાં તેઓ પહોંચશે. ભારતના ભવિષ્યના દલિતોની કોઇ ભૂમિકા ન હોય તેમ વડાપ્રધાન વિચારી રહ્યા છે.