કોગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે રાહુલ ગાંધી
ખબરપત્રીઃ નવી દિલ્હીઃ આજે રાહુલ ગાંધીને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે બિનહરીફ જાહેર કરવામાં આવ્યાની સાથે જ કોંગ્રેસને ૧૯ વર્ષ બાદ નવા અધ્યક્ષ મળ્યા છે. આ પહેલા રાહુલ કોંગ્રેસમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકેનો હોદ્દો સંભાળતા હતા.
આજે નામ પાછા ખેંચવાની અંતિમ તારીખ હતી અને રાહુલ સિવાય કોઇએ આ પદ માટે ફોર્મ ભર્યુ ન હોવાથી તેમને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા. આ જાહેરાત ચૂંટણી અધિકારી મુલ્લાપ્પલ્લી રામચંદ્રન દ્વારા કરવામાં આવી. કોંગ્રેસ અધ્યક્ષ તરીકે રાહુલ ગાંધીની નીમણુંક થતા જ કોંગ્રેસ કાર્યકરોએ ઉજવણી કરી હતી. જો કે, કોંગ્રેસ અધ્યક્ષના રૂપમાં રાહુલ ગાંધીની ઔપચારિક જાહેરાત ગુજરાત ચૂંટણી બાદ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ પદ માટે ૪ ડીસેમ્બરે રાહુલ ગાંધી દ્વારા નામાંકન કરવામાં આવ્યું હતું.
૧૩૨ વર્ષ જુના પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની ફરજ ૪૭ વર્ષીય રાહુલ ગાંધી નીભાવશે. આ પહેલા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધી ૧૯૯૮થી ૧૯ વર્ષ સુધી પાર્ટીનું સુકાન સંભાળી રહ્યાં હતા, જે સૌથી વધુ સમય અધ્યક્ષ તરીકે રહેવાનો રેકોર્ડ છે.