નવી દિલ્હીઃ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ કેરળમાં પુરને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કરી છે અને આર્મી, નેવીને મોટાપાયે તૈનાત કરવા માટે અપીલ કરી છે. બચાવ અને રાહત કામગીરીમાં મોટાપાયે જવાનોને ગોઠવવા માટે કહેવામાં આવ્યું છે. ટ્વિટર ઉપર રાહુલ ગાંધીએ મુખ્યમંત્રી રાહત ફંડમાં યોગદાન આપવા માટે લોકોને પણ અપીલ કરી છે.
બીજી બાજુ કેન્દ્ર સરકારે બચાવ અને રાહત કામગીરી માટે કેરળમાં એનડીઆરએફની ટીમો મોકલવા માટે જાહેરાત કરી છે. ગૃહમંત્રી રાજનાથસિંહે ટેલિફોન ઉપર કેરળના મુખ્યમંત્રી વિજયન સાથે વાતચીત કરી છે અને કહ્યું છે કે, કેન્દ્ર સરકાર કેરળમાં એનડીઆરએફની વધારાની ટીમ મોકલી રહી છે. કેન્દ્ર સરકાર તમામ સંભવિત સહાયતા આપવા માટે તૈયાર છે. તેઓ કેરળના મુખ્યમંત્રી સાથે સતત સંપર્કમાં હોવાની પણ માહિતી મળી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજનાથસિંહની દરમિયાનગીરી બાદ કેરળ અને તમિળનાડુ વચ્ચે પણ મુલ્લાપેરિયાર બંધમાં પાણીની વધતી સપાટીને લઇને તંગદિલી ફેલાઈ ગઈ છે. તેના પાણીના પ્રવાહને લઇને વિવાદ અકબંધ રહ્યો છે. કેરળ સરકાર પાણીના નિકાલ માટે ઇચ્છુક છે જ્યારે તમિળનાડુ સરકાર અલગ વલણ ધરાવે છે. રાહુલ ગાંધી દ્વારા પણ મદદરુપ થવા માટે કહેવામાં આવ્યું છે.
બીજી બાજુ બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ દ્વારા ૯૨૬ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. એનડીઆરએફની ૧૪ ટીમો કામમાં લાગી ગઈ છે. બે લાખ લોકો હાલમાં રાહત કેમ્પોમાં છે. ૩૪ નૌકાઓનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે. કેરળના મધ્ય ભાગમાં પરિવહન સેવા ધ્વસ્ત થઇ ગઇ છે. ભારે વરસાદના કારણે ચેમ્પિયન બોટલીગને પણ મોકૂફ કરવામાં આવી છે. ભારે વરસાદના પરિણામ સ્વરુપે ખુવારીનો આંકડો હાલમાં સતત વધી રહ્યો છે. હવે ૮૨ ઉપર પહોંચ્યો છે.