પટણા : લોકસભા ચુંટણીને લઈને રાજકીય ગરમી વચ્ચે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી રહી છે. ચોકીદાર ચોર હે ને લઈને તેમના નિવેદન બાદ તેમની મુશ્કેલીઓ ઘટવાના બદલે વધી રહી છે. હવે માનહાનિના કેસમાં રાહુલ સામે સમન્સ જારી કરવામાં આવ્યું છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ બિહારના સમસ્તીપુરમાં ચુંટણી રેલીમાં વારંવાર ચોકીદાર ચોર હેના નારા લગાવ્યા હતા. આ સંદર્ભમાં આરા સિવિલ કોર્ટમાં તેમની સામે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવી ચુક્યો છે.
બીજી તરફ બિહારના નાયબ મુખ્યમંત્રી સુશિલકુમાર મોદી દ્વારા દાખલ કરવામાં આવેલા માનહિનીના કેસમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને પટણાની અદાલતે સમન્સ મોકલીને ૨૦મી મેના દિવસે ઉપસ્થિત થવા માટે આદેશ કર્યો છે. રાહુલ ગાંધી ચુંટણી સભાઓમાં ચોકીદાર ચોર હેના નારા લગાવે છે. રાહુલ તમામ ચુંટણી ભાષણોમાં આ પ્રયોગ કરી રહ્યા છે.
તેજસ્વી યાદવ સામે પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. સમસ્તીપુરમાં મહાગઠબંધન તરફથી આયોજિત રેલીમાં રાહુલ ગાંધીએ પણ આવો જ તરીકો અપનાવ્યો હતો. સુશિલ મોદીએ કહ્યું છે કે રાહુલ ગાંધી આચારસંહિતાનો ભંગ કરી રહ્યા છે. જાકે ચોકીદાર ચોર હેને લઈને રાહુલ સુપ્રીમમાં દુઃખ વ્યક્ત કરી ચુક્યા છે.