લોકસભામાં ગઇકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત ઉપર ઉગ્ર અને ગરમાગરમ ચર્ચા યોજાઈ હતી. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આક્રમક સંબોધન કર્યું હતું. રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં અનેક મુદ્દા ઉપર સરકારને ભીંસમાં લેવાના પ્રયાસ કર્યા હતા. રાહુલે એક અલગ જ અંદાજમાં ભાષણ આપીને તમામને રોમાંચિત કરી દીધા હતા. કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધીએ ચર્ચાની જવાબદારી સંભાળી હતી. મોદી સરકાર પર અનેક તેજાબી પ્રહારો કરીને સળગતા મુદ્દા ઉઠાવ્યા હતા.
રાહુલે રાફેલ ડિલથી લઇને દેશના અનેક હિસ્સાઓમાં થઇ રહેલી હિંસાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. રાહુલ ગાંધીને બોલવા માટે ૩૮ મિનિટનો સમય આપવામાં આવ્યો હતો પરંતુ રાહુલે એક કલાક સુધી સંબોધન કર્યું હતું. આ ગાળા દરમિયાન રાહુલે વહેલી તકે બેસી જવાના પ્રયાસ પણ કર્યા ન હતા. રાહુલે ભાષણ દરમિયાન ખુબ જ આક્રમક વલણ અપનાવ્યું હતું અને પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો. રાહુલે પ્રશ્ન કરતા કહ્યું હતું કે લોકો તેમના પ્રશ્ન સાંભળી રહ્યા છે.
રાહુલે પહેલો પ્રશ્ન કરતા કહ્યું હતું કે, ૧૫ લાખ રૂપિયા પ્રજાના ખાતામાં ક્યારે આવી રહ્યા છે. આ સવાલ તો મોદી સરકાર બન્યા બાદથી ચર્ચાનો વિષય છે. દરેક વર્ષે બે કરોડ લોકોને રોજગારી આપવાની વાત પણ કરવામાં આવી હતી. સરકાર માત્ર ચાર લાખ લોકોને રોજગારી આપી રહી છે. આ પ્રશ્ન ૪૦ કરોડ યુવાનો સાથે જાડાયેલો છે. આ પ્રશ્નને આગળ વધારીને રાહુલે પકોડા રોજગારની પણ વાત કરી હતી અને કહ્યું હતું કે, નોટબંધી અને જીએસટી પણ ભુલ ભરેલા નિર્ણય હતા. તેમણે ઉમેર્યું હતું કે, મોદી સરકાર કેટલાક પસંદગીના ઉદ્યોગપતિઓના હાથમાં રમી રહી છે. જીયો કંપનીની જાહેરાતમાં મોદીનો ફોટો કેમ છાપવામાં આવ્યો છે. દેશના ચોકીદાર કોઇ જગ્યાએ દેખાતા નથી. રાફેલ ડિલના મામલામાં રાહુલે સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામન અને વડાપ્રધાન મોદી ઉપર પ્રહારો કર્યા હતા. જ્યાં સુધી મોદી, રાહુલ ગાંધીના પ્રશ્નો પર મોદી સરકાર ભીંસમાં દેખાઈ રહી છે.
રાહુલે પોતાના ભાષણમાં આક્રમક વલણ અપનાવ્યું હતું. રાહુલે ૧૦ સળગતા પ્રશ્નો કર્યા હતા. રાહુલ ડોકલામ મુદ્દા ઉપર પણ વાત કરી હતી. રાહુલે ખેડૂતો, ગરીબી, બેરોજગારી, અર્થવ્યવસ્થા અને વિદેશ નીતિ એમ તમામ મામલે વાત કરી હતી. પોતાના ભાષણ દરમિયાન રાહુલે એમ પણ કહ્યું હતું કે, પેટ્રોલ ડીઝલના કારણે લોકોની હાલત કફોડી બનેલી છે. વડાપ્રધાન તેમની સામે જાવાની સ્થિતિમાં પણ રહેતા નથી.
અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર સામે લાવવામાં આવેલી અવિશ્વાસ દરખાસ્ત પર આજે લોકસભાની કાર્યવાહી શરૂ થતાની સાથે ચર્ચા શરૂ હતી. તમામ જટિલ અને સળગતા મુદ્દા પર ચર્ચા શરૂ થઇ હતી. ટીડીપી દ્વારા આ દરખાસ્ત લાવવામાં આવી હતી. જેના પર ઉગ્ર ચર્ચા સાંજ સુધી ચાલી હતી. વડાપ્રધાન મોદી પોતે લોકસભામાં ઉપસ્થિત રહ્યા હતા. ચર્ચામાં કિંમતોમાં વધારો, બેરોજગારી, અસહિષ્ણુતામાં વધારો, જીએસટી અમલી કરવાની બાબત, નોટબંધીથી થયેલી તકલીફો, ખેડૂતોની તકલીફો અને એમએસપી જેવા મુદ્દા ઉપર સરકારને ભીંસમાં લેવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. વિપક્ષ તરફથી સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ, ટીડીપી સહિતના પક્ષોએ પોતાની રજૂઆત કરી હતી અને સરકાર ઉપર પ્રહારો કર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, સંસદના મોનસુન સત્રના પ્રથમ દિવસે લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર સામે અવિશ્વાસની દરખાસ્તને સ્વીકારી લીધી હતી. ૧૫ વર્ષમાં પ્રથમ વખત સરકાર સામે અવિશ્વાસ દરખાસ્ત લાવવામાં આવી હતી. કોંગ્રેસ, તેલુગુદેશમ પાર્ટી અને શરદ પવારના નેતૃત્વમાં એનસીપી દ્વારા લાવવામાં આવેલી આ દરખાસ્તને લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન સ્વીકારી લીધા બાદ આજે આના પર ચર્ચા થઇ હતી.