રાફેલ કૌભાંડ ભારતના સૌથી મોટા કૌભાંડ તરીકે હોવાનો દાવો આજે કોંગ્રેસ પાર્ટીએ કર્યો હતો. સાથે સાથે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, આ ભ્રષ્ટાચારનો મામલો છે. મોદી સરકાર દ્વારા સપ્રીમ કોર્ટની સામે ખોટા નિવેદનો અને ખોટી રજૂઆત આપીને સંસદમાં વિશેષાધિકારનો ભંગ કરી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીએ મોદી સરકારના જુઠ્ઠાણાનો પર્દાફાશ કરી દીધો છે. રાફેલ કૌભાંડ સરકારી ખજાનાને નુકસાન પહોંચાડવા, દેશહિતની સાથે સમજૂતિ કરવા, દેશની સુરક્ષાને કમજાર કરવા, સરકારી કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની અવગણના કરવા અને અમીર લોકોને ફાયદો પહોંચાડવા માટે કૃત્ય સમાન છે.
કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ અને સાંસદ રાજીવ સાતવ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિતિના અધ્યક્ષ અમિત ચાવડાએ આજે અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદ યોજીને ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા. આ લોકોએ આક્ષેપ કરતા કહ્યું હતં કે, મોદીએ એચએએલ પાસેથી ૩૦૦૦૦ કરોડ રૂપિયાનો કન્ટ્રાક્ટ આંચકી લઇને ખાનગી કંપનીને આપી દીધો છે. એક જાહેર ક્ષેત્રની કંપની પાસેથી આ કોન્ટ્રાક્ટને આંચકીને ખાનગી કંપનીને કેમ સોંપવામાં આવ્યો તેને લઇને પણ પ્રશ્નો કરવામાં આવ્યા હતા.
કોંગ્રેસે આક્ષેપ કરતા કહ્યું હતું કે, મોદીએ બીએસીની અવગણના કરી હતી. કોંગ્રેસ સરકારે પોતાના ગાળામાં ખુબ ઓછી કિંમતે સોદો નક્કી કર્યો હતો. કોંગ્રેસની યુપીએ સરકારના ગાળા દરમિયાન દરેક વિમાનની કિંમત ૨૨૬.૧૦ કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી હતી. એટલે કે ૩૬ યુદ્ધ વિમાનોની કિંમત ૧૮૯૪૦ કરોડ રૂપિયા હતી. મોદી સરકારે ૩૬ યુદ્ધવિમાનોની કિંમત ૬૦૧૪૫ કરોડ રૂપિયામાં કરી છે. એટલે કે એક વિમાનની કિંમત ૧૬૭૦.૭૦ કરોડ રૂપિયા નક્કી કરાઈ છે. સરકારી ખજાનાને ૪૧૨૦૫ કરોડનો ચુનો લગાવાયો છે.