અમદાવાદ : સુપ્રીમ કોર્ટે રાફેલ કેસમાં રિવ્યુ પિટિશન પર નવા દસ્તાવેજના આધાર પર સુનાવણીનો નિર્ણય કર્યો છે. ત્રણેય જજોએ એક મતથી આપેલા નિર્ણયમાં કહ્યું કે જે નવા દસ્તાવેજ ડોમેનમાં આવ્યા છે, તેના આધારે કેસમાં રિવ્યુ પિટિશન પર સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટ હવે રિવ્યુ પિટિશન પર સુનાવણી માટે નવી તારીખ નક્કી કરશે. બેન્ચમાં સીજેઆઇના સિવાય જસ્ટિસ એસ.કે.કૌલ અને જસ્ટિસ કે.એમ.જોસેફ સામેલ છે. જા કે, રાફેલ કેસમાં સુનાવણી કરવાના સુપ્રીમકોર્ટના બહુ મહત્વના ચુકાદાને ગુજરાત કોંગ્રેસે પણ ભારે આવકાર આપ્યો છે.
પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશીએ સુપ્રીમકોર્ટના ચુકાદાને આવકારતાં જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે રાફેલ મુદ્દે જે દસ્તાવેજ રજૂ કરાયા હતા તેને ચકાસીને ફરી સુનાવણી કરવા આદેશ આપ્યા છે, સુપ્રીમ કોર્ટના નિર્ણયને હું આવકારું છું. વાસ્તવમાં, રાફેલ મોદી સરકારનું સૌથી મોટું સંરક્ષણ કૌભાંડ છે. દરમ્યાન કોંગ્રેસના યુવા ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના રાજીનામાની શકયતાઓ અંગે ડો.મનીષ દોશીએ કહ્યું કે, સામાજીક સંગઠનને પોતાની કઇ વાત કરવી તે માટે સ્વતંત્ર છે, કોંગ્રેસ અલ્પેશ ઠાકોર સહિત તમામને માન સન્માન આપે છે, અમારા પ્રભારીએ અલ્પેશ ઠાકોર સાથે વાત કરી છે, આ અંગે અમારું નેતૃત્વ તેમની સાથે વાતચીત કરશે.
અલ્પેશનાં રાજીનામાની વાત અમારા ધ્યાન પર આવી નથી. અલ્પેશ ઠાકોર સાથે રાષ્ટ્રીય નેતૃત્વ ખુલ્લા મન સાથે વાતચીત કરી રહ્યું છે. કોંગ્રેસ પક્ષમાં લોકશાહી પ્રક્રિયા છે. ત્યાં જ કોંગ્રેસ તૂટી રહી છે તેવા મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવેદન અંગે ડો.મનીષ દોશીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ગુજરાતમાં સૌથી વધુ ભ્રષ્ટાચારમાં ડૂબેલી રૂપાણી સરકાર છે. કોંગ્રેસમાં શું થઈ રહ્યું છે તેના કરતાં ભાજપા પોતાનું સંભાળે. ભાજપમાં ઠેર ઠેર બળવો થઈ રહ્યો છે. ભાજપના મૂળ કાર્યકર્તાઓનો અજંપો છે. જૂનાગઢમાં નરેન્દ્ર મોદીના નિવેદન અંગે ડો.મનીષ દોશીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી પોતાના પદની ગરિમાને સાચવતા નથી.
જવાહરલાલ નેહરુએ દેશને નેતૃત્વ આપ્યું. વાસ્તવમાં, ભાજપના લોકોએ અંગ્રેજોના પિઠ્ઠુ બનીને કામ કર્યું છે. તેઓ પોતાની નિષ્ફળતાઓની વાત કરવાથી દૂર ભાગી રહ્યા છે. ખેડૂતોની દુર્દશા, બેરોજગારી, સિંહોના મોત અંગે વડાપ્રધાન બોલ્યા હોત તો વધુ સારું થાત. પરંતુ તેઓ અંગે બોલ્યા નહી. કારણ કે, તેમની પાસે આ બધા અને લોકહિતના પ્રશ્નો માટે બોલવા જેવું કંઇ છે નહી. ભાજપ દંભી ચહેરાવાળી પાર્ટી છે, તેની કથની અને કરણીમાં ફેર છે. મોદી સરકારે તેના પાંચ વર્ષના શાસનમાં પ્રજાને ઠાલા વચનો આપ્યા સિવાય બીજું કઇ કર્યું નથી, જા કે, પ્રજા હવે ભાજપને સારી રીતે ઓળખી ગઇ છે. ચૂંટણીમાં જનતા ભાજપને તેનો સજ્જડ જવાબ આપશે.