નવી દિલ્હી: રાફેલ ડીલને લઇને મોદી સરકાર અને વિપક્ષ વચ્ચે જારદાર રાજકીય ઘમસાણની સ્થિતી વચ્ચે હવે હવાઇ દળનુ સમર્થન સરકારને મળી ગયુ છે. રાફેલના મુદ્દા પર સરકારને હવાઇ દળનો સાથ મળી ગયા બાદ તેને રાહત થઇ છે. હવાઇ દળના વડા બીએસ ધનોવાએ આજે પત્રકાર પરિષદ કરીને સરકારના રાફેલના સંબંધમાં નિર્ણયને સાહસી તરીકે ગણાવીને તેની પ્રશંસા કરી હતી. ધનોવાએ કહ્યુ હતુ કે રાફેલ અને એસ-૪૦૦ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ ડીલ બુસ્ટર ડોઝ સમાન છે. તેમણે કહ્યુ હતુ કે સરકાર જેમ જ એસ-૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ ડીલને મંજુરી આપશે તેમ જ ૨૪ મહિનામાં અમને તે મળવા લાગી જશે. એરચીફે સ્કોડ્રોનની ઘટતી જતી સંખ્યાના સંદર્ભમાં ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે કહ્યું હતું કે, એચએએલની સાથે કરાર કરવામાં આવ્યા બાદથી ડિલિવરીમાં વિલંબ થયો છે. સુખોઇ-૩૦ની ડિલિવરીમાં ત્રણ વર્ષનો વિલંબ થઇ ચુક્યો છે. યુદ્ધવિમાન જગુઆરમાં છ વર્ષનો વિલંબ થઇ ચુક્યો છે. એલસીએમાં પાંચ વર્ષનો, મિરાજ ૨૦૦૦ની ડિલિવરીમાં બે વર્ષનો વિલંબ થઇ ચુક્યો છે. રાફેલ ડિલને લઇને થઇ રહેલા પ્રશ્નો ઉપર જવાબ આપતા ધનોવાએ કહ્યું હતું કે, અમે ખુબ જ જટિલ સ્થિતિમાં હતા. અમારી પાસે ત્રણ વિકલ્પો હતા. પહેલો વિકલ્પ એ હતો કે થોડાક કલાકોની રાહ જાવામાં આવે. આરપીએફને પરત ખેંચી લેવામાં આવે અથવા તો ઇમરજન્સી ખરીદી કરવામાં આવે જેના પરિણામ સ્વરુપે ઇમરજન્સી ખરીદી કરવામાં આવી છે. રાફેલ ડિલ અમારા માટે બુસ્ટર સમાન છે.
ધનોવાએ એમ પણ કહ્યું હતું કે, સરકારે બોલ્ડ પગલા લઇને ૩૬ રાફેલ યુદ્ધવિમાનોની ખરીદી કરી છે. આ ઉચ્ચ ટેકનોલોજીના વિમાનથી ભારતીય હવાઈ દળને અનેક ગણી તાકાત મળશે. ક્ષમતાને પણ વધારી શકાશે. હવાઈ દળના વડાએ થોડાક દિવસ પહેલા કહ્યું હતું કે, અમારા પડોશી દેશોએ બીજા અને ત્રીજા જનરેશનના વિમાનોને ચોથા અને પાંચમાં જનરેશનના વિમાનોમાં ફેરવી કાઢ્યા છે. અમને પણ અમારા વિમાનોને ફેરવી નાંખવા પડશે. તેમણે કહ્યું હતું કે, અમને કોઇપણ પ્રકારની સંઘર્ષની સ્થિતિને રોકવા માટે પૂર્ણ તૈયારી કરવી પડશે. બે મોરચા ઉપર લડવું પડે તો પણ તૈયારી રહે તે ખુબ જરૂરી છે. અત્રે નોંધનીય છે કે, થોડાક દિવસ પહેલા જ વાઈસ ચીફ એરમાર્શલ દેવે કહ્યું હતું કે, આ ખુબ જ ખુબસુરત અને અતિઆધુનિક વિમાનો છે. તેમાં ખુબ ક્ષમતા રહેલી છે. અમે આ વિમાનને ઓપરેટ કરવાની તૈયારી કરી રહ્યા છે. એક કાર્યક્રમમાં રાફેલ ડિલને લઇને પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, રાફેલ જેટથી ભારતની ક્ષમતા અનેકગણી વધી જશે અને ભારતીય સેનાને અભૂતપૂર્વ ફાયદો થશે.