નવી દિલ્હી : રાફેલ ડિલ ઉપર જારી વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી ખરીદી પ્રક્રિયાના સંદર્ભમાં સંપૂર્ણ માહિતી માંગી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પાસેથી સીલબંધ કવરમાં એ નિર્ણયની પ્રક્રિયાની વિગત માંગી છે જેના પછી રાફેલ જેટની ખરીદીને લઇને ફ્રાંસની કંપની દેશા એવિએશન સાથે સમજૂતિ થઇ હતી. કોર્ટે કહ્યું છે કે, કેન્દ્ર સરકાર ૨૯મી ઓક્ટોબર સુધી તમામ ખરીદી પ્રક્રિયાની માહિતી આપે તે જરૂરી છે. આ મામલામાં હવે ૨૯મી ઓક્ટોબરના દિવસે સુનાવણી હાથ ધરવામાં આવશે.
કેન્દ્રીય સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામન ફ્રાંસ પહોંચી ચુક્યા છે. બીજી બાજુ આજે સુનાવણી દરમિયાન તર્કદાર દલીલો કરવામાં આવી હતી. તેમની સરકારના નિર્ણયને લઇને સુપ્રીમ કોર્ટ ખાતરી કરવા માટે ઇચ્છુક છે. વિપક્ષ દ્વારા રાફેલ જેટન કિંમતોને લઇને સરકાર પર ગંભીર પ્રકારના આરોપો કરવામાં આવી રહ્યા છે. રાફેલ સાથે સંબંધિત અરજી પર સુનાવણી કરતી વેળા સુપ્રીમ કોર્ટે નોટીસ જારી કર્યા વગર કેન્દ્ર સરકારને આ રિપોર્ટ આપવા માટે સુચના આપી છે. ચીફ જસ્ટીસ રંજન ગોગોઇ, જસ્ટીસ એસકે કૌલ અને જસ્ટીસ કેએમ જાસેફની બેંચે સ્પષ્ટતા કરતા કહ્યુ હતુ કે તે ડિફેન્સ ડીલના સંબંધમાં રાફેલ વિમાનોને લઇને કોઇ અભિપ્રાય આપી રહ્યા નથી. અમે સરકારને કોઇ નોટીસ જારી કરી રહ્યા નથી. અમે માત્ર નિર્ણય લેવાની પ્રક્રિયાની કાયદેસરતાથી સંતુષ્ટ થવા માટે ઇચ્છુક છીએ. બેંચે કહ્યુ તે રાફેલ ડીલની ટેકનિક ડીટેલ્સ અને કિંમતના સંબંધમાં માહિત મેળવ લેવા માટે ઇચ્છુક નથી.
સુપ્રીમ કોર્ટનો આ આદેશ એવા સમય પર આવ્યો છે જ્યારે સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામણ ત્રણ દિવસના પ્રવાસે રાત્રે ફ્રાન્સ રવાના થયા છે. તેમની આ યાત્રા ફ્રાન્સીસી કંપની દેશો એવિએશનથી ૩૬ રાફેલ વિમાનોની ખરીદીને લઇને થયેલા વિવાદ વચ્ચે આવી છે. સુત્રોએ કહ્યુ છે કે સીતારામણ જુદા જુદા પાસા પર વિચારણા કરી રહી છે. ૫૮૦૦૦ કરોડ રૂપિયાના સોદા હેઠળ ભારતીય હવાઇ દળ ફ્રાન્સ પાસેથી ૩૬ રાફેલ જેટ ખરીદનાર છે. ૨૩મી સપ્ટેમ્બર ૨૦૧૬ના દિવસે અંતિમ સોદાબાજી થઇ હતી. કેન્દ્ર સરકારે રાફેલ ડિલ ઉપર દાખલ કરેલી અરજીઓને રદ કરવાની માંગ કરી હતી. કેન્દ્ર સરકારે દલીલ કરી હતી કે, રાજકીય લાભ ઉઠાવવાના હેતુસર રાફેલ ઉપર આ પ્રકારની અરજીઓ કરવામાં આવી હતી.
એટર્ની જનરલે કોર્ટ સમક્ષ કહ્યું હતું કે, રાફેલ સોદાબાજી રાષ્ટ્રીય સુરક્ષા સાથે જાડાયેલો મામલો છે. આવા મુદ્દાઓની ન્યાયિક સમીક્ષા કરી શકાય તેમ નથી. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસી નેતા અને આરટીઆઈ કાર્યકર તહસીન પુનાવાલાએ રાફેલ સોદાના સંદર્ભમાં દાખલ કરવામાં આવેલી પોતાની જાહેરહિતની અરજી પરત લઇ લીધી છે. પીઠે રાફેલ સોદાને લઇને દાખલ કરવામાં આવેલી શ્રેણીબદ્ધ અરજીઓ ઉપર સુનાવણી હાથ ધરી હતી. કોંગ્રેસે આ સોદાબાજીના મામલામાં અનિયમિતતાનો આક્ષેપ કરીને કહ્યું છે કે, કેન્દ્ર સરકાર આ સોદાબાજીને લઇને માહિતી છુપાવી રહી છે. મુખ્ય વિરોધ પક્ષનો આક્ષેપ છે કે, સરકાર ૧૬૭૦ કરોડ રૂપિયા પ્રતિની દ્રષ્ટિએ રાફેલ વિમાન ખરીદવા તૈયાર છે જ્યારે અગાઉની યુપીએ સરકાર આ વિમાન ૫૨૬ કરોડ રૂપિયામાં ખરીદવા માટે તૈયાર હતીa