નવી દિલ્હી : રાફેલને લઇને વિવાદ હજુ પણ શાંત થઇ રહ્યો નથી. રાફેલ કેસમાં સરકારને ક્લીન ચીટ મળી ગયા બાદ પૂર્વ કેન્દ્રિય પ્રધાનો દ્વારા હવે ફરી એકવાર સુપ્રીમ કોર્ટમાં ફેરવિચારણા અરજી દાખલ કરવામાં આવી છે. સાથે સાથે ૧૪મી ડિસેમ્બરના દિવસે આપવામાં આવેલા ચુકાદાની સમીક્ષા કરવાની માંગ આ લોકો દ્વારા કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યુ હતુ કે રાફે ડીલમાં કોઇ અનિયમિતતા થઇ ન હતી. આની સાથે સાથે સુપ્રીમ કોર્ટે રાફેલ વિમાનને દેશની જરૂરિયાત તરીકે ગણાવીને તેની સામે દાખલ કરવામાં આવેલી તમામ અરજીને ફગાવી દીધી હતી.
સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ કોંગ્રેસને ફટકો પડ્યો હતો. હવે ફેરવિચારણા અપીલ કરવામાં આવ્યા બાદ ફરી એકવાર ચુકાદા પર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. કોંગ્રેસ પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે યુપીએ સરકારની તુલનામાં ત્રણ ગણી વધારે કિંમત રાફેલ માટે ચુકવવામાં આવી રહી છે. રાફેલ ડીલને લઇને કોંગ્રેસ સહિત તમામ વિરોધ પક્ષોના આરોપોનો સામનો કરી રહેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારને ૧૪મી ડિસેમ્બરના દિવસે મોટી રાહત મળી હતી. કારણ કે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપતા સાફ શબ્દોમાં કહ્યુ હતુ કે તેને ફ્રાન્સ પાસેથી ૩૬ રાફેલ યુદ્ધ વિમાનોની ખરીદી કરવાના એનડીએ સરકારના નિર્ણયમાં કોઇ અનિયમિતતા મળી નથી. કોર્ટે કઠોર વલણ અપનાવીને આ ડીલને લઇને દાખલ કરવામાં આવેલી તમામ અરજીને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યુ હતુ કે મોદી સરકારની સમગ્ર પ્રક્રિયાને લઇને તે સંતુષ્ટ છે. તેમાં શંકાને કોઇ સ્થાન નથી. સુપ્રીમ કોર્ટે અગાઉ ૧૪મી નવેમ્બરના દિવસે ફ્રાંસથી ૩૬ રાફેલ યુદ્ધ વિમાન ખરીદવાના સોદાની સીબીઆઈ તપાસની માંગ કરતી અરજી ઉપર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. સુનાવણી દરમિયાન તમામ સંબંધિત પક્ષો તરફથી પોતપોતાની દલીલો રજૂ કરવામાં આવી હતી.
કોર્ટે અરજી કરનારાઓ અને સરકારની સાથે સાથે હવાઈ દળના અધિકારીઓ પાસેથી પણ માહિતી મેળવી હતી. આશરે પાંચ કલાક સુધી મેરેથોન સુનાવણી ચાલી હતી. ત્યારબાદ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસકે કૌલ અને જસ્ટિસ કેએમ જાસેફની બનેલી બેંચે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. રાફેલની કિંમતને જાહેર કરવાની માંગ કરી રહેલા અરજીદારોને એ વખતે મોટો ફટકો પડ્યો હતો જ્યારે કોર્ટે કહ્યું હતું કે, જ્યાં સુધી અમે પોતે જાહેર કરતા નથી ત્યાં સુધી તે મુદ્દે કોઇપણ ચર્ચા કરવામાં આવશે નહીં. આ ગાળા દરમિયાન સરકારી અને સોદાબાજીમાં તપાસની માંગ કરી રહેલા અરજીદારોના વકીલ વચ્ચે જારદાર દલીલબાજી ચાલી હતી. સૌથી પહેલા અરજી કરનાર લોકો તરફથી દલીલો કરવામાં આવી હતી. ત્યારબાદ સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના નિર્દેશ ઉપર હવાઈ દળના અધિકારીને પણ નિવેદન આપવા માટે બોલાવવામાં આવ્યા હતા. સરકારે કહ્યું હતું કે, રાફેલ જેટ હવાઈ દળ માટે ખુબ જ જરૂરી હતી. એટર્ની જનરલ કેકે વેણુગોપાલ તરફથી રજૂઆત કરવામાં આવી હતી.