અમદાવાદ : ભગવાન શ્રી શ્રી રાધા માધવના હરે કૃષ્ણ મંદિર,ભાડજમાં ઉજવાઈ રહેલ ચતુર્થ પાટોત્સવ ઉજવણીના ત્રીજા દિવસની ઉજવણીમાં હરે કૃષ્ણ મંદિર,ભાડજ ખાતે હજારો શ્રધ્ધાળુઓ અને ભાવિકો (યાત્રાળુઓ) ગુજરાત સહિત દેશના અન્ય રાજયોમાંથી પણ ઉમટી પડયા હતા. જેને લઇ શ્રી શ્રી રાધા માધવની પાટોત્સવ ઉજવણીના માહોલ ભારે ભકિતમય અને હર્ષોલ્લાસભર્યો બની રહ્યો છે. પાટોત્સવ ઉજવણી દરમ્યાન શ્રી પાટોત્સવ યજ્ઞ, શ્રી રાધા માધવ રથ, પાલકી ઉત્સવ અને શ્રીમતી પ્રાપ્તિ શાહ એન્ડ ગ્રુપ દ્વારા કૃષ્ણલીલા, હિંડોળા ઉત્સવ સહિતના આકર્ષણો અને ધાર્મિક કાર્યક્રમો અને આકર્ષણનો લઇ શ્રધ્ધાળુ ભકતો જાણે ભકિતરસથી તરબોળ બન્યા હતા. આજના ઉત્સવમાં રાજયના શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટ સહિતના મહાનુભાવો ખાસ હાજર રહ્યા હતા.
આ ઉત્સવ ભગવાન શ્રી શ્રી રાધા માધવના હરે કૃષ્ણ મંદિર,ભાડજમાં થયેલ સ્થાપનને ચાર વર્ષ પૂર્ણ થતા આ નિમિત્તે ઉજવાતો ઉત્સવ છે. ચતુર્થ પાટોત્સવની ઉજવણીના ભાગરૂપે ભગવાન શ્રી રાધામાધવને દક્ષિણ ભારત શૈલીમાં પરંપરાગત ભરતનાટયમ વસ્ત્રોથી ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યા હતા. ભગવાનશ્રી ને શણગારવામાં માટે વિશેષ પુષ્પો દક્ષિણભારતથી મંગાવવામાં આવ્યા હતા. પાટોત્સવ તહેવારને આગળ ધપાવતા ત્રીજા દિવસે સર્વશક્તિમાન ભગવાન શ્રી રાધા માધવની ભવ્ય રથયાત્રા સાથે શરૂઆત થઈ હતી. આ કાર્યક્રમ માટે ખાસ રીતે રથ બનાવવામાં આવ્યો છે અને દર વર્ષે વાર્ષિક પાટોત્સવની ઉજવણી દરમિયાન ઉપયોગ કરવામાં આવે છે. આશરે ૨૦ હજાર કરતા પણ વધુ ભક્તો ભગવાનશ્રીના દર્શનનો લાભ લેવા એકઠા થયા હતા અને રથને ખેંચવાની તક ઝડપી હતી. વિવિધ જાતના ખાસ રીતે બનાવેલ પ્રસાદને રથયાત્રા દરમ્યાન ભક્તોમાં વહેંચવામાં આવ્યા હતા.
હરે કૃષ્ણ મંદિર,ભાડજના ભક્તો દ્વારા રથયાત્રાની સાથોસાથ અતિઆનંદાયક હરિનામ સંકિર્તન કરવામાં આવ્યુ હતું. કૃષ્ણલીલા વિષયવસ્તુ પર લોકનૃત્યુની પેશગી શ્રીમતી પ્રાપ્તિ શાહ એન્ડ ગ્રુપ દ્વારા કરવામાં આવી અને હીંડોળા ઉત્સવ યોજવામાં આવ્યો હતો ત્યારે ભકતો જાણે કૃષ્ણભકિતમાં લીન થયા હતા. દિવસના અંતે કાર્યક્રમના અંતસ્વરૂપ ભવ્ય મહામંગલા આરતી અને હિંડાળા ઉત્સવ ઉજવાયો હતો. જેમાં બધા ભક્તોને સુંદરરીતે સજાવટ કરેલ ગાદી પર બિરાજમાન ભગવાનને ઝૂલાવવાની અમૂલ્ય તક પ્રાપ્ય બની હતી. ચતુર્થ પાટોત્સવ ઉજવણીને લઇ હજારો શ્રધ્ધાળુ ભકતોમાં જાણે શ્રી રાધા માધવ ભકિતનો માહોલ છવાયો હતો.