અમદાવાદ : મેટ્રેસ ઇન્ડસ્ટ્રી માટે સ્પેશિયાલિટી ફેબ્રિક ઉત્પાદક રચિત પ્રિન્ટ્સ લિમિટેડે નાણાકીય વર્ષ 2027 સુધીમાં રૂ. 100 કરોડની આવક હાંસલ કરવાની મહાત્વાકાંક્ષી યોજના જાહેર કરી હતી. મેરઠમાં મુખ્યાલય ધરાવતી કંપની તેની કામગીરી અને ઉત્પાદન ક્ષમતા વધારવાના ભાગરૂપે પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) દ્વારા ભંડોળ ઊભું કરવાની યોજના ધરાવે છે. ઓફરના બુક રનિંગ લીડ મેનેજર તરીકે કંપનીએ ખંભાતા સિક્યુરિટીઝ લિમિટેડની નિમણૂંક કરી છે.
કંપની ગૂંથેલા ફેબ્રિક, પ્રિન્ટેડ ફેબ્રિક, પિલો ફેબ્રિક, બ્લાઇન્ડિંગ ટેપ વગેરે જેવી મેટ્રેસ માટે સ્પેશિયાલિટી ફેબ્રિકનું ઉત્પાદન કરવાની સાથે-સાથે કમ્ફર્ટર્સ અને બેડશીટના ટ્રેડિંગમાં કાર્યરત છે. કંપની સ્પેશિયલિઝ્ડ ટેક્સટાઇલનું ઉત્પાદન કરવા માટે યાર્ન અને કેમિકલ્સના સ્રોત આપે છે. આરપીએલ ગૂંથેલા ફેબ્રિક અને પ્રિન્ટિંગ દ્વારા યાર્નને ફેબ્રિકમાં રૂપાંતરિત કરવામાં વિશેષતા ધરાવે છે.
આરપીએલ તેની પ્રોડક્ટ્સ માટે બિઝનેસ ટુ બિઝનેસ (બી2બી) મોડલને અનુસરે છે. કંપનીએ ફેબ્રુઆરી 2024માં શીલા ફોમ લિમિટેડ (સ્લિપવેલ) અને કર્લઓન એન્ટરપ્રાઇઝ સાથે 11,00,000 મીટર પ્રિન્ટેડ અને 8,00,000 મીટર સર્ક્યુલર નિટ સ્પેશિયાલિટી ફેબ્રિક સપ્લાય કરવા માટે સમજૂતી કરાર (એમઓયુ) ઉપર હસ્તાક્ષર કર્યાં હતા. આ ઉપરાંત કંપની પ્રાઇમ કમ્ફર્ટ પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડને પણ તેની પ્રોડ્ક્ટસ સપ્લાય કરે છે. તે ઉત્તર પ્રદેશના મેરઠમાં 30,625 ચોરસફૂટ વિસ્તારમાં ફેલાયેલી ઉત્પાદન સુવિધાનું સંચાલન કરે છે, જે ભારતીય, જર્મન, ટર્કીશ અને ચાઇનિઝ મશીનરીથી સજ્જ છે.
રચિત પ્રિન્ટ્સ લિમિટેડના પ્રમોટર અને મેનેજિંગ ડિરેક્ટર અનુપમ કંસલે કંપનીની યોજના વિશે જણાવ્યું હતું કે, અમારા ક્લાયન્ટ્સ સાથે અમારા લાંબાગાળાના સંબંધો ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્સ અને સમયસર ડિલિવરી માટેની અમારી કટીબદ્ધતાનો પુરાવો છે. અમે અદ્યતન નીટિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને અમારા ગ્રાહકોની કસ્ટમાઇઝ્ડ જરૂરિયાતો મૂજબ ડિલિવર કરીએ છીએ. ટેક્નોલોજીમાં અમારું રોકાણ વધતી માગને પૂર્ણ કરવાની સાથે-સાથે અમારી કામગીરીમાં પણ વધારો કરે છે. અમે અમારી કામગીરી અને પ્લાન્ટ ક્ષમતામાં વધારો કરવાની યોજના બનાવી રહ્યાં છીએ. અમે આઇપીઓ દ્વારા ફંડ ઊભું કરીને નાણાકીય વર્ષ 2027 સુધીમાં રૂ. 100 કરોડની આવક હાંસલ કરવાનો વિશ્વાસ ધરાવીએ છીએ.