રશિયાએ યુક્રેનને વધુ હથિયારો સપ્લાય કરવા બદલ બ્રિટનને ધમકી આપી છે. રશિયાએ કહ્યું કે જો બ્રિટને રશિયાને વધુ હથિયાર અને ફાઈટર જેટ આપ્યા તો તે યોગ્ય નથી અને તેનો જવાબ સૈન્ય રાજકીય સ્તરે આપવામાં આવશે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી બુધવારે બ્રિટન અને ફ્રાંસની મુલાકાતે હતા. જેમાં તેમણે યુક્રેનને વહેલામાં વહેલી તકે વધુ હથિયારો આપવા વિનંતી કરી હતી. ડેઈલી મેઈલના અહેવાલ મુજબ, રશિયાએ ચેતવણી આપી છે કે જો યુક્રેનને વધુ હથિયારો અને ફાઈટર જેટ આપવામાં આવશે તો તે નાટો સરકારો તરફથી સીધા સંઘર્ષને ઉશ્કેરવા જેવું હશે. લંડનમાં રશિયન એમ્બેસીએ યુક્રેનને હથિયારોની સપ્લાય અંગે કડક ચેતવણી આપતાં કહ્યું કે જો આવું થશે તો સમગ્ર વિશ્વમાં સૈન્ય-રાજકીય પરિણામો માટે બ્રિટન જવાબદાર રહેશે.
જણાવી દઈએ કે બ્રિટન પહેલાથી જ ૧૦૦૦૦ યુક્રેનિયન સૈનિકોને તાલીમ આપવાની સાથે સૈન્ય સહાય પણ આપી ચૂક્યું છે. દરમિયાન, ઝેલેન્સકીએ ફરી એકવાર શસ્ત્રો અને ફાઇટર જેટ સપ્લાય કરવાની વિનંતી કરી છે. ઋષિ સુનક પહેલા બોરિસ જોન્સનની સરકારે યુક્રેનને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી. તમામ પ્રકારના ફાઈટર જેટ, ટેન્ક આપવાનું પણ કહેવામાં આવ્યું હતું. ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૦ ના રોજ રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યા પછી ઝેલેન્સકીએ બુધવારે બીજી વખત દેશ છોડ્યો. ગયા વર્ષે ડિસેમ્બરમાં તેઓ પહેલીવાર અમેરિકા ગયા હતા અને ત્યાં રાષ્ટ્રપતિ જો બાયડેન સાથે મુલાકાત ઉપરાંત તેમણે યુએસ કોંગ્રેસને સંબોધિત કરી હતી. ત્યારબાદ ઝેલેન્સકીએ અમેરિકા પાસેથી પણ મદદ માંગી.