હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં મચેલી ધક્કામુક્કીના કેસમાં સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને મોટી રાહત મળી છે. તેલંગાણા હાઈકોર્ટે આ કેસમાં અલ્લુ અર્જુનને જામીન આપી દીધા છે. પોલીસે આજે સવારે જ અભિનેતાની ધરપકડ કરી હતી. આ પછી તેને પૂછપરછ માટે ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં 35 વર્ષીય મહિલાનું મોત થયું હતું. હાઈકોર્ટનો આ ર્નિણય એવા સમયે આવ્યો છે જ્યારે નીચલી અદાલતે ધક્કામુક્કી કેસમાં અલ્લુ અર્જુનને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો હતો. જો કે હવે હાઈકોર્ટે અલ્લુ અર્જુનને મોટી રાહત આપી છે અને તેને વચગાળાના જામીન આપ્યા છે.
4 ડિસેમ્બરે, બ્લોકબસ્ટર ફિલ્મ પુષ્પા 2 ની સ્ક્રીનિંગ દરમિયાન, હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં નાસભાગ મચી ગઈ હતી જેમાં એક મહિલાનું મોત થયું હતું અને ચાર લોકો ઘાયલ થયા હતા. ઘટનાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે શુક્રવારે અલ્લુ અર્જુનની ધરપકડ કરી હતી. એક તરફ પોલીસે અલ્લુ અર્જુનની ધરપકડ કરી હતી અને બીજી તરફ તેણે હાઈકોર્ટમાં જામીન અરજી કરી તાકીદે સુનાવણીની માંગ કરી હતી. હવે આ અરજી પર સુનાવણી કરતા કોર્ટે વચગાળાના જામીન આપવાનો આદેશ કર્યો છે. પહેલા સંધ્યા થિયેટર કેસમાં ધરપકડ અને તે બાદ હાઈકોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા બાદ અલ્લુ અર્જુન ભાવુક જોવા મળ્યો હતો. જ્યારે પોલીસ વાહનમાં કોર્ટ પહોંચ્યો ત્યારે અલ્લુ અર્જુન ખૂબ જ ભાવુક જોવા મળ્યો હતો. તેની આંખોમાંથી આંસુ નીકળી રહ્યાં હતાં. અલ્લુ અર્જુનની ધરપકડનો અનેક વિપક્ષી પાર્ટીના નેતાઓ અને વરિષ્ઠ નેતાઓ વિરોધ કરતા પણ જોવા મળ્યા. વિપક્ષી નેતાઓએ નાસભાગ માટે સરકારને જવાબદાર ઠેરવી પોલીસની કાર્યવાહી પર સવાલો ઉઠાવ્યા.
પૂર્વ CM વાયએસ જગનમોહન રેડ્ડીએ અલ્લુ અર્જુનની ધરપકડની આકરી નીંદા કરી હતી. તેણે કહ્યું કે અલ્લુ અર્જુન નાસભાગમાં સામેલ ન હતો, તેથી તેની સામે ફોજદારી કેસ કરીને તેની ધરપકડ સ્વીકાર્ય નથી. હું ધરપકડની નીંદા કરું છું. સુનાવણીમાં અલ્લુ અર્જુનના વકીલે દાવો કર્યો હતો કે અભિનેતાની ધરપકડ માત્ર સનસનાટી ફેલાવવા માટે કરવામાં આવી છે, અસલમાં ધરપકડની જરૂર જ ન હતી.